top
તાપી LCBએ બોગસ નંબર પ્લેટવાળી ઇનોવામાંથી દારૂ ઝડપ્યો:સુરતના 2 શખ્સો ₹8.22 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા
તાપી જિલ્લામાં પોલીસ દ્વારા હાથ ધરાયેલા સઘન ચેકિંગ દરમિયાન LCB અને પેરોલ-ફર્લો સ્કોડને સફળતા મળી છે. પોલીસે વ્યારા નજીકથી વિદેશી દારૂ ભરેલી ઇનોવા કાર ઝડપી પાડી ₹8,22,538 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. LCB PI બી.જી. રાવલની સૂચના હેઠળ પેરોલ-ફર્લો સ્કોડના PI જે.બી. આહિર અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ASI બીપીનભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈને ચોક્કસ બાતમી મળી હતી. સેલવાસ અને મહારાષ્ટ્ર થઈને સોનગઢ-વ્યારા તરફ ઇનોવા કારમાં દારૂનો જથ્થો લવાઈ રહ્યો હોવાની માહિતી મળી હતી. બાતમીના આધારે વ્યારા ટીચકપુરા બાયપાસ રોડ પર નાકાબંધી ગોઠવી કારને ઝડપી લેવાઈ હતી. પોલીસે સુરતના બે આરોપીઓની સ્થળ પરથી જ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કારમાંથી વ્હીસ્કી અને બિયરનો જથ્થો ઝડપાયો પોલીસે શંકાસ્પદ ઇનોવા કાર રોકીને તપાસ કરતા પાછળની સીટ અને ડેકીમાંથી દારૂ મળી આવ્યો હતો. પોલીસે કારમાંથી 27 બોક્સ અને 53 છૂટી બોટલ મળી કુલ 497 નંગ દારૂ-બિયર જપ્ત કર્યો હતો. જપ્ત કરાયેલા દારૂના જથ્થાની કુલ કિંમત ₹2,97,538 આંકવામાં આવી છે. ગેરમાર્ગે દોરવા બોગસ નંબર પ્લેટ લગાવી હતી તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપીઓએ પોલીસથી બચવા કાર પર બોગસ નંબર પ્લેટ લગાવી હતી. પોલીસે કારમાંથી મૂળ નંબર પ્લેટ અને બે ખોટી નંબર પ્લેટ કબજે કરી છે. પોલીસે ₹5 લાખની કાર, ₹25,000 ના બે મોબાઈલ અને દારૂ મળી કુલ ₹8,22,538 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરતના બે આરોપી ઝડપાયા અને ત્રણ વોન્ટેડ પોલીસે લાલગેટ, સુરતના વસીમ અહેમદ ઉર્ફે પીન્ટુ રંગરેજ અને સૈયદપુરા, સુરતના નિહાલ હુસૈન શેખની અટકાયત કરી છે. દારૂ મંગાવનાર અને મોકલનાર સહિત અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે. પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ માટે તમામ મુદ્દામાલ વ્યારા પોલીસ મથકે સોંપાયો છે.
Read full article on Divya Bhaskar