politics
તરણેતર લોકમેળાના અંતિમ દિવસે પોલીસ પરિવારે ધજા ચડાવી:રેન્જ IG નિર્લિપ્ત રાયે પૂજા બાદ ધજા માથે લઈ ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરે ચડાવી, રાસ-ગરબામાં જોડાયા
વિશ્વપ્રસિદ્ધ તરણેતર લોકમેળાના અંતિમ દિવસે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ પરિવાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરે ભક્તિભાવપૂર્વક ધજા ચડાવવામાં આવી હતી. આ પ્રસંગે રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું, મદદનીશ પોલીસ અધિક્ષક વૈદિકા બિહાની અને નાયબ પોલીસ અધિક્ષક વિશાલ રબારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ ભગવાનના ચરણોમાં ધજા અર્પણ કરી રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયે જણાવ્યું હતું કે, મેળાના સમાપન પ્રસંગે પોલીસ પરિવાર તથા રેન્જમાંથી આવેલા અધિકારીઓ અને કર્મચારીઓએ ભગવાન ત્રિનેત્રેશ્વરના ચરણોમાં ધજા અર્પણ કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ સાથે મેળામાં સુરક્ષા બંદોબસ્તની સફળતાપૂર્વક પૂર્ણાહુતિ થઈ હતી. તા. 14થી શરૂ થયેલા મેળામાં પશુ પ્રતિયોગિતા અને લાડવા ખાવાની હરીફાઈ સહિતની વિવિધ ગ્રામ્ય સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં સહેલાણીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુચારુ રહી હતી અને કોઈ વિપરીત બનાવ બન્યો ન હતો. ધજા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા તરણેતર આઉટ પોસ્ટથી ધજા યાત્રા પ્રસ્થાન થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકો જોડાયા હતા. યાત્રાના રૂટ પર રાસમંડળીઓએ પરંપરાગત રાસની રમઝટ બોલાવી હતી. આંટાડી પાઘડી અને રંગબેરંગી કેડિયાં પહેરેલા યુવાનો તેમજ તરણેતર મેળાની આગવી ઓળખ સમી મોરલાવાળી છત્રીઓ સાથે જોડાયેલા લોકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. મંદિર પરિસર 'હર હર મહાદેવ'ના નાદથી ગુંજી ઊઠ્યું ધજા યાત્રા ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચતા પોલીસ જવાનોએ પુષ્પવર્ષા કરીને સ્વાગત કર્યું હતું. ત્યારબાદ મુખ્ય પૂજારી દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી ધજાનું પૂજન કરાવવામાં આવ્યું હતું. પૂજા બાદ મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ધ્વજારોહણ સમયે સમગ્ર મંદિર પરિસર 'હર હર મહાદેવ'ના નાદથી ગુંજી ઊઠ્યું હતું. પોલીસ જવાનો પણ રાસ-ગરબામાં જોડાયા ધ્વજારોહણ બાદ મંદિર પરિસરમાં રાસ-ગરબાનું આયોજન થયું હતું. રાસમંડળીઓ સાથે પોલીસ જવાનો પણ ઉત્સાહપૂર્વક રાસ-ગરબામાં જોડાયા હતા. આ સાથે તરણેતર લોકમેળાના અંતિમ દિવસે ધાર્મિક આસ્થા, લોકસંસ્કૃતિ અને પોલીસ પરિવારની ભાગીદારીનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.
Read full article on Divya Bhaskar