politics
વાંકાનેરમાં નમો સેવા ગાથા અંતર્ગત શેરી નાટકો યોજાયા:માર્કેટ ચોક ગણપતિ ઉત્સવમાં ધારાસભ્ય જીતુ સોમાણીની હાજરીમાં 4 હજાર લોકો જોડાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના સેવા કાર્યના 25 વર્ષ પૂરા થયા છે. આ નિમિત્તે સેવા સંકલ્પ અભિયાન ચાલી રહ્યું છે. તેના ભાગરૂપે મોરબી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા વાંકાનેર શહેરના બે વિસ્તારમાં "નમો સેવા ગાથા-અનકહી કહાણી" અંતર્ગત નાટકના કાર્યક્રમો યોજાયા હતા. સમગ્ર ગુજરાતની સાથે મોરબી જિલ્લામાં પણ સેવા સંકલ્પ અભિયાનની ઉજવણી થઈ રહી છે. આ અભિયાન હેઠળ 21 સપ્ટેમ્બરથી 02 ઓક્ટોબર દરમિયાન મોરબી જિલ્લાના તમામ તાલુકાઓ અને મોરબી મહાનગરપાલિકાના વોર્ડમાં વિવિધ જગ્યાઓ પર શેરી નાટકોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ નાટકોના ભાગરૂપે 21 સપ્ટેમ્બરના રોજ વાંકાનેરમાં બે જગ્યાએ કાર્યક્રમ થયા. એક શ્રી રામકૃષ્ણ પ્રાથમિક શાળા, નવાપર ખાતે અને બીજો માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવ, ટાઉનહોલ, વાંકાનેર ખાતે યોજાયો હતો. માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવ, ટાઉનહોલ ખાતેના કાર્યક્રમમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા હતા. સેવા, સમર્પણ અને જનકલ્યાણનો સંદેશ લોકો સુધી સરળતાથી પહોંચાડવા માટે આ નાટક યોજાયું હતું. આશરે 4 હજાર નગરજનો આ કાર્યક્રમમાં જોડાયા હતા અને નાટક જોયું હતું. વાંકાનેર શહેરમાં યોજાયેલા બંને કાર્યક્રમમાં નગરજનો, યુવાનો, વિદ્યાર્થીઓ અને વિવિધ વર્ગના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
Read full article on Divya Bhaskar