politics
વડાપ્રધાનના જન્મ દિવસે કોંગ્રેસનો અનોખો વિરોધ:જૂનાગઢમાં PM મોદીના જન્મદિવસે કોંગ્રેસનું અનોખું વિરોધ પ્રદર્શન: ખરાબ રસ્તાના ખાડામાં દીવા તરતા મૂકી લોકોમાં લોલીપોપ વહેંચાઈ, મહિલા કાર્યકરોની અટકાયત
જૂનાગઢ શહેરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની અનોખી અને વિરોધાત્મક રીતે ઉજવણી કરવામાં આવી હતી. શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આ દિવસે ભાજપ સરકારની નીતિઓ અને શહેરના બિસ્માર રસ્તાઓ સામે અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાર્યકરોએ શહેરના ખરાબ રસ્તા પર પડેલા ખાડામાં ભરાયેલા પાણીમાં દીવા તરતા મૂક્યા હતા અને વિકાસના નામે પ્રજાજનોને 'લોલીપોપ' આપવામાં આવી રહી છે તેવો દર્શાવવા લોકોને લોલીપોપ વહેંચી હતી. જોકે, આ વિરોધ કાર્યક્રમ ચાલુ થાય તે પહેલાં જ પોલીસે તમામ કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરી લીધી હતી. કાર્યક્રમ દરમિયાન વિરોધનો સૂર બુલંદ કરતાં જૂનાગઢ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ હેમાબેન રૂપારેલિયાએ જણાવ્યું હતું કે, આજે પ્રધાનમંત્રી મોદી સાહેબનો જન્મદિવસ છે. નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઘીના દીવા કરવાનું આહ્વાન કર્યું છે, પરંતુ હું એક મહિલા કાર્યકર્તા તરીકે પૂછવા માગું છું કે આજે મોંઘવારી ચરમસીમાએ પહોંચી છે. તેલ, ઘી અને અનાજ-કરિયાણા સહિતની તમામ ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. આવી પરિસ્થિતિમાં સામાન્ય ગૃહિણીઓ માટે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે, તેથી અમે મહિલાઓ આ દિવસને ‘મહિલા વિરોધ દિવસ’ તરીકે નોંધાવીએ છીએ. વધુમાં મોંઘવારી, બેરોજગારી અને જૂનાગઢના રસ્તાઓની દયનીય સ્થિતિ પર પ્રહાર કરતા હેમાબેન રૂપારેલિયાએ જણાવ્યું હતું કે, અમારા માટે તો આજે મોંઘવારી મુખ્ય મુદ્દો છે. આજે યુવાનો અને બહેનોને રોજગાર મળતો નથી. જૂનાગઢમાં કેવો વિકાસ થયો છે તે જોવા માટે જ આજે અમે માર્ગો પર નીકળ્યા હતા. અહીં જૂનાગઢનો વિકાસ સાચા અર્થમાં ગાંડો થયો હોય તેમ રસ્તાઓ પર મોટા મોટા ખાડાઓ ભરેલા છે. અમે આ ખાડા-ખબડામાં ભરાયેલા પાણીમાં દીવડા પ્રગટાવીને મોદી સાહેબના જન્મદિવસની ઉજવણી કરી છે અને સરકારને અરીસો બતાવવાનો પ્રયાસ કર્યો છે. પ્રધાનમંત્રીને સીધો પ્રશ્ન પૂછતાં અને ગરીબોની સ્થિતિ વર્ણવતાં હેમાબેન રૂપારેલિયાએ ઉમેર્યું હતું કે, આટલી આસમાને પહોંચેલી મોંઘવારીમાં ઘીનો દીવો કરવો એ કેટલા અંશે યોગ્ય છે? શાસકોએ ક્યારેક ગરીબના ઘરમાં અને રસોડામાં જઈને જોવું જોઈએ કે ત્યાં તેલ, ઘી કે અનાજ-કરિયાણું છે કે નહીં. માત્ર ખાલી દેખાડો કરવાથી કશું થવાનું નથી. જો સાચા અર્થમાં જન્મદિવસ ઉજવવો જ હોય, તો ક્યારેક ગરીબ માણસના ઝૂંપડા સુધી જઈને તેના ઘરમાં આશા અને રોજી-રોટીનો એક દીવો પ્રગટાવો, ત્યારે જ સાચા અર્થમાં જન્મદિવસ ઉજવ્યો ગણાશે. પોલીસની કાર્યવાહી સામે ભારે આક્રોશ વ્યક્ત કરતા હેમાબેન રૂપારેલિયાએ જણાવ્યું હતું કે, અમે જ્યારે પણ વિરોધ કરીએ છીએ ત્યારે પોલીસને આગળ કરી દેવામાં આવે છે. ‘જબ જબ ભાજપ ડરતી હે, પોલીસ કો આગે કરતી હે’ તે સૂત્ર આજે ફરી સાચું ઠર્યું છે. આજે અમે હજી તો અમારા વિરોધ કાર્યક્રમની શરૂઆત કરી જ નહોતી, ત્યાં તો પોલીસે આવીને અમારી અરેસ્ટ કરી લીધી. શાંતિપૂર્ણ રીતે વિરોધ કરતા કાર્યકર્તાઓને આ રીતે અટકાવી દેવા તે કેટલા અંશે યોગ્ય છે તેવો સવાલ તેમણે ઉઠાવ્યો હતો.
Read full article on Divya Bhaskar