top
વડોદરામાં તહેવારોને લઈને પાલિકાની કાર્યવાહી 6 યુનિટનું ઇન્સ્પેક્શન કર્યું:મુક્તાનંદ સર્કલ પાસે ‘અપના પંજાબ’ અને ‘જય મહાકાળી સેવઉસળ’માં અસ્વચ્છતા જણાતા 80 કિલો શાકભાજી સહિતના અખાદ્ય પદાર્થનો નાશ કર્યો
વડોદરા શહેરમાં તહેવારોને લઈને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવા વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખા દ્વારા વિવિધ વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનરના આદેશ તથા ડેઝિગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદારના માર્ગદર્શન હેઠળ સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર અને ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમે વાસણા-ભાયલી રોડ, ઓલ્ડ પાદરા રોડ, કારેલીબાગ, મુક્તાનંદ સર્કલ અને સમા-સાવલી રોડ પર કુલ 6 ખાદ્ય એકમોનું ઇન્સ્પેક્શન કર્યું હતું. દરમિયાન પનીર અને પ્રીપેર્ડ ફૂડના નમૂના લેવામાં આવ્યા હતા. બે એકમોને શેડ્યૂલ-4ની નોટિસ આપવામાં આવી હતી, જ્યારે વોર્ડ સાથેની સંયુક્ત કામગીરીમાં કુલ રૂ.15 હજારનો દંડ વસૂલાયો હતો. ઉપરાંત 80 કિલો અખાદ્ય પદાર્થનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો અને એક યુનિટ બંધ કરાવવામાં આવ્યું હતું. વાસણા-ભાયલી રોડ પર આવેલા ‘પીઝા પોઇન્ટ’ રેસ્ટોરન્ટમાં તપાસ દરમિયાન અસ્વચ્છ પરિસ્થિતિ જણાતા શેડ્યૂલ-4ની નોટિસ આપવામાં આવી હતી. કારેલીબાગ બ્રાઈટ સ્કૂલની નીચે આવેલા ‘ભાવિકા વીઝન’ રિટેલર યુનિટમાં મિસબ્રાન્ડેડ ખાદ્યપદાર્થનો જથ્થો મળી આવતા યુનિટ બંધ કરાવવામાં આવ્યું હતું. મુક્તાનંદ સર્કલ પાસે આવેલા ‘અપના પંજાબ’ અને ‘જય મહાકાળી સેવઉસળ’ રેસ્ટોરન્ટમાં પણ અસ્વચ્છતા જણાતા 80 કિલો શાકભાજી સહિતના અખાદ્ય પદાર્થનો સ્થળ પર જ નાશ કરાવવામાં આવ્યો હતો. બંને એકમો પર વોર્ડની સંયુક્ત કામગીરી દરમિયાન રૂ.5-5 હજાર મળી કુલ રૂ.10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે સમા-સાવલી રોડ પર આવેલા ‘હરીઓમ દાલબાટી’ રેસ્ટોરન્ટમાં અસ્વચ્છ પરિસ્થિતિ જણાતા શેડ્યૂલ-4ની નોટિસ આપવામાં આવી હતી તેમજ રૂ.5 હજારનો દંડ વસૂલવામાં આવ્યો હતો.
Read full article on Divya Bhaskar