top
વલસાડ નગરપાલિકાની બેઠકમાં ભાજપના સભ્યોએ પ્રમુખ અને COને સવાલ કર્યા:₹20 કરોડના કામો, ટેન્ડર અને વોર્ડના પ્રશ્નો પર ચર્ચા; કેટલાક સભ્યો બેઠક છોડીને ગયા
વલસાડ નગરપાલિકાની ઓક્ટોબર મહિનાની સામાન્ય સભામાં ભાજપના સભ્યોએ પ્રમુખ અને ચીફ ઓફિસર (CO) યશપાલસિંહ વાઘેલાને વિકાસનાં કામો અને એજન્ડા અંગે સવાલ કર્યા. બેઠકમાં અંદાજે 36 કામ રજૂ કરાયા હતા. કાઉન્સિલર હિતેશ ભંડારી અને અન્ય સભ્યોએ અગાઉની બોર્ડ બેઠકમાં મંજૂર થયેલા અંદાજે 20 કરોડ રૂપિયાના વિકાસકામો, ટેન્ડર પ્રક્રિયા અને એજન્ડાના મુદ્દાઓ પર ચર્ચા કરી. કાઉન્સિલર જ્યોત્સનાબેન રાઠોડ, નિતેશ વશી સહિતના સભ્યોએ પાલિકાની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે બોર્ડમાં કામોની ચર્ચા અને આયોજન સમયસર થતાં નથી અને દર મહિને કામો માત્ર કાગળ પર બતાવવામાં આવે છે. સભ્યોએ એવો પણ આક્ષેપ કર્યો કે તેમના વોર્ડના પ્રશ્નો અને વિકાસનાં કામો સમયસર પૂરા થતા નથી. તેના કારણે લોકોમાં નારાજગી છે. CO યશપાલસિંહ વાઘેલાએ જવાબમાં કહ્યું કે અંદાજ અને ટેન્ડરની પ્રક્રિયા નિયમો મુજબ અને પારદર્શક રીતે થાય છે. સભ્યોએ જવાબની સાથે કામો સ્થળ પર ઝડપથી પૂરાં કરવાની માગ કરી. ચર્ચા દરમિયાન એજન્ડાના કામો પર યોગ્ય ચર્ચા ન થતાં કેટલાક સભ્યો નારાજ થઈને બેઠક છોડીને જતા રહ્યા.
Read full article on Divya Bhaskar