top
નવસારી મનપાના આઉટસોર્સ કર્મચારીઓને મળ્યો બાકી પગાર:મેયરે એજન્સીઓને 10મી સુધીમાં પગાર ચૂકવવા તાકીદ કરી
નવસારી મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાં આઉટસોર્સિંગ એજન્સીઓ દ્વારા કાર્યરત કર્મચારીઓને તેમનો બાકી પગાર ચૂકવી દેવામાં આવ્યો છે. માઈનોર ડ્રેનેજ, વોટર વર્ક્સ, ગાર્ડન, દબાણ હટાવ અને પીઆરઓ શાખાના કર્મચારીઓએ બાકી પગાર અંગે મેયર સમક્ષ રજૂઆત કરી હતી, ત્યારબાદ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. કર્મચારીઓએ મેયર અશોક ધોરાજીયાને રૂબરૂ મળીને જણાવ્યું હતું કે, શ્રાવણ માસ અને રક્ષાબંધન જેવા તહેવારો નજીક હોવા છતાં પગાર ન મળવાને કારણે તેમને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ રજૂઆતને ધ્યાનમાં લઈને મેયરે તાત્કાલિક ડેપ્યુટી કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓને તપાસના આદેશ આપ્યા હતા. કારોબારી સમિતિના ચેરમેન મુકેશની ઉપસ્થિતિમાં થયેલી વહીવટી સમીક્ષામાં જાણવા મળ્યું કે, કેટલીક આઉટસોર્સિંગ એજન્સીઓ દ્વારા પાલિકામાં સમયસર બિલ રજૂ કરવામાં આવ્યા ન હતા, જેના કારણે પગાર ચૂકવણીમાં વિલંબ થયો હતો. મેયરે એજન્સીઓને બે દિવસમાં તમામ બાકી પગાર ચૂકવી દેવાનો આદેશ આપ્યો હતો. ભવિષ્યમાં કર્મચારીઓને આવી મુશ્કેલી ન પડે તે માટે મેયરે કાયમી વ્યવસ્થા ગોઠવવાની સૂચના આપી છે. કોર્પોરેશન કે એજન્સી મારફતે કાર્યરત તમામ આઉટસોર્સ કર્મચારીઓને દર મહિનાની 10 તારીખ સુધીમાં ફરજિયાત પગાર મળી જાય તે સુનિશ્ચિત કરવાની જવાબદારી કારોબારી ચેરમેનને સોંપવામાં આવી છે. મેયરની સૂચના બાદ સંબંધિત એજન્સીઓએ તાત્કાલિક ધોરણે તમામ કર્મચારીઓનો બાકી પગાર ચૂકવી દીધો હતો.
Read full article on Divya Bhaskar