top
બેચરાજીના મેડોસર તળાવની પાળે જૂની અદાવતમાં ધીંગાણું:અકસ્માતના મનદુઃખમાં 10થી વધુ શખ્સોના ટોળાનો રિક્ષાચાલકના પરિવાર પર જીવલેણ હુમલો
બેચરાજી શહેરના મેડોસર તળાવની પાળે વિસ્તારમાં મોડી રાત્રે અકસ્માતના જૂના મનદુઃખને લઈને એક પરિવાર પર 10થી વધુ શખ્સોના ટોળાએ લાકડાના ધોકા અને ગડદાપાટુ વડે પ્રાણઘાતક હુમલો કરતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. લોડિંગ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા વિપુલકુમાર નનુભાઈ રાવળ અને તેમના પરિવારજનો રાત્રે સાડા દસ વાગ્યાના સુમારે ઘરે હાજર હતા, ત્યારે બે કાર અને એક સ્કોર્પિયોમાં ધસી આવેલા હુમલાખોરોએ આતંક મચાવ્યો હતો. આ હુમલામાં રિક્ષાચાલક, તેમના ત્રણ ભાઈઓ અને પત્ની સહિત પાંચ સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સીતાપુર અકસ્માતની તકરારમાં ફોટા પાડવા બાબતે બબાલ હુમલાખોરોમાં અશોકજી પ્રહલાદજી ઠાકોર, મહેશજી ઉર્ફે ગુગો, શંકુભા વાઘેલા, પ્રદીપ ઠાકોર તેમજ સીતાપુરના જાહલબેન ઠાકોર સહિતના શખ્સો ગાડીઓ લઈને વિપુલકુમારના ઘર આગળ આવી પહોંચ્યા હતા. "બે દિવસ પહેલાં સીતાપુર મુકામે થયેલો અકસ્માત તેં જ કર્યો છે" તેમ કહી તેઓ વિપુલકુમાર અને તેમની રિક્ષાના ફોટા પાડવા લાગ્યા હતા. ફરિયાદીએ ફોટા પાડવાની મનાઈ કરતાં ઉશ્કેરાયેલા ટોળાએ બિભત્સ ગાળાગાળી શરૂ કરી દીધી હતી. આ દરમિયાન અશોકજી ઠાકોરે ગાડીમાંથી લાકડાનો ધોકો કાઢી સીધો વિપુલકુમારના માથામાં ફટકારી દેતાં તેઓ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા. ભાઈઓ અને પત્ની બચાવવા વચ્ચે પડતાં તેમના પર પણ તૂટી પડ્યા ઈજાગ્રસ્ત વિપુલકુમારને બચાવવા માટે તેમના ત્રણ ભાઈઓ વિમલભાઈ, નિલેશભાઈ અને ભરતભાઈ વચ્ચે પડતાં હુમલાખોરો તેમની ઉપર પણ લાકડાના ધોકા સાથે તૂટી પડ્યા હતા. એટલું જ નહીં, પતિને બચાવવા દોડી આવેલા સંજનાબેનને પણ મહિલા આરોપી જાહલબેને ગડદાપાટુનો નિર્દયતાથી માર માર્યો હતો. સમગ્ર પરિવારે જીવ બચાવવા બૂમાબૂમ કરતાં આસપાસના સ્થાનિક રહીશો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પુરાવાનો નાશ કરવા મોબાઈલ ઝૂંટવી વીડિયો ડિલીટ કર્યો ઘટના સમયે પરિવારના સભ્ય રોહિતભાઈ સમગ્ર કરતૂતનો મોબાઈલમાં વીડિયો ઉતારતા હતા, ત્યારે હુમલાખોરોએ તેમનો ફોન આંચકી લઈને વીડિયો ડિલીટ કરી નાખ્યો હતો. જ્યારે અન્ય એક સભ્યનો મોબાઈલ જમીન પર પછાડીને તોડી નાખ્યો હતો. લોકોનું ટોળું ભેગું થઈ જતાં આરોપીઓ "હવે પછી હાથમાં આવ્યો તો જાનથી મારી નાખીશું" તેવી ખુલ્લી ધમકી આપી વાહનો હંકારી નાસી છૂટ્યા હતા. મહેસાણા સિવિલ હોસ્પિટલના સર્જીકલ વોર્ડમાં દાખલ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા વિપુલકુમારને પ્રાથમિક સારવાર અર્થે સ્થાનિક બેચરાજી સિવિલ હોસ્પિટલ લઈ જવાયા બાદ વધુ ગંભીર હાલત હોવાથી મહેસાણા સિવિલ હોસ્પિટલના સર્જીકલ વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવ અંગે હોસ્પિટલ વર્ધી મળતાં જ બેચરાજી પોલીસે ભોગ બનનારનું નિવેદન નોંધી તમામ નામજદ હુમલાખોરો સામે રાયોટિંગ, હુમલો અને ધમકી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
Read full article on Divya Bhaskar