crime
જિલ્લાના તમામ 10 તાલુકાના અધિકારીઓને CRS પોર્ટલના યુઝર આઇડી અપાયા:ગ્રામ્ય વિસ્તારના લોકોને હવે જન્મ કે મરણના દાખલા ટીડીઓ કાઢી આપશે
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના લોકોને હવે જન્મ-મરણના દાખલા કઢાવવા માટે મહેસાણા સુધી લાંબા નહીં થવું પડે. રાજ્ય સરકારે જિલ્લાના તમામ 10 તાલુકાના તાલુકા વિકાસ અધિકારીઓને જન્મ-મરણના દાખલા માટેના CRS પોર્ટલના યુઝર આઇડી આપી દીધા છે. આથી હવે ગ્રામ્ય વિસ્તારના લોકો તાલુકા પંચાયત કચેરીમાંથી જ દાખલા મેળવી શકશે. અગાઉ મહેસાણા મહાનગર પાલિકા સહિત જિલ્લાની તમામ 7 નગરપાલિકાઓ અને 10 તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના જન્મ-મરણના દાખલાની ચકાસણી અને મંજૂરીની કામગીરી જિલ્લા કક્ષાએ જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જ થતી હતી. એક જ અધિકારી પાસે સત્તા હોવાથી દાખલાની પ્રક્રિયામાં વિલંબ થતો હતો. પરિણામે એક સમયે 2,000થી 2,500 જેટલા દાખલાનું વેઇટિંગ રહેતું અને લોકોને એક-એક મહિના સુધી રાહ જોવી પડતી હતી. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના લોકોને દાખલા માટે જિલ્લા કચેરી સુધી ધક્કા ખાવા પડતા હતા. આ સમસ્યા અંગે જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા વહીવટી તંત્રે રાજ્ય સરકાર સમક્ષ તાલુકા કક્ષાએથી જ દાખલા કાઢવાની વ્યવસ્થા ઊભી કરવા દરખાસ્ત કરી હતી. તેના પગલે સરકારે તમામ 10 તાલુકાના તાલુકા વિકાસ અધિકારીઓને પોર્ટલના યુઝર આઇડી ફાળવ્યા છે. આ નવી વ્યવસ્થા અમલી બને તે પહેલાં જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તાલુકા વિકાસ અધિકારીઓઅને આંકડા મદદનીશ સહિતની ટીમને CRS પોર્ટલ પર જન્મ-મરણના દાખલાની પ્રક્રિયા, ચકાસણી અને મંજૂરીની કામગીરી અંગે તાલીમ પણ આપવામાં આવી છે. મહાનગરપાલિકા અને 7 નગરપાલિકાઓની સત્તા જિલ્લા આરોગ્ય અધિકારી હસ્તક જ જોકે, મહેસાણા મહાનગરપાલિકા સહિત જિલ્લાની તમામ 7 નગરપાલિકા વિસ્તારોના જન્મ-મરણના દાખલાની કામગીરી હજુ પણ જિલ્લા આરોગ્ય અધિકારી હસ્તક જ રહેશે. નવી વ્યવસ્થાનો લાભ હાલ ગ્રામ્ય વિસ્તારના લોકોને મળશે.
Read full article on Divya Bhaskar