crime
ધો.12ના વિદ્યાર્થીએ પોતાનું જ ગળું અને હાથની નસ કાપી:ઘર નજીક આવેલા ગાર્ડનના શૌચાલયમાં આપઘાતનો પ્રયાસ, લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો
સુરતના જહાંગીરપુરામાં ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીએ ગળા અને હાથની નસ કાપી આપઘાતનો પ્રયાસ કરતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘર નજીક આવેલા ગાર્ડનના શૌચાલયમાં લોહીલુહાણ હાલતમાં મળી આવેલા વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હાલ વિદ્યાર્થીની હાલત ગંભીર છે અને ગળા પર ટાંકા હોવાને કારણે તે બોલી શકવાની સ્થિતિમાં નથી. ગાર્ડનના શૌચાલયમાં જઈ નસ અને ગળું કાપ્યું આ સગીર પોતાના ઘર નજીક આવેલા ગાર્ડનમાં ગયો હતો અને ત્યાં આવેલા શૌચાલયમાં કોઈ તીક્ષ્ણ હથિયાર વડે પોતાના જ હાથની નસ તથા ગળું કાપી નાખ્યું હતું. ગંભીર ઈજાઓને પગલે શૌચાલય લોહીલુહાણ થઈ ગયું હતું અને વિદ્યાર્થી ત્યાં જ ઢળી પડ્યો હતો. બનાવની જાણ થતાં જ આસપાસના લોકો અને પરિવારજનો ઘટનાસ્થળે દોડી ગયા હતા. ધોરણ 10 અને 11માં 90%થી વધુ પરિણામ ધરાવતો હતો વિદ્યાર્થી અભ્યાસમાં ખૂબ જ હોંશિયાર છે. તેણે ધોરણ 10 તેમજ 11માં 90 ટકાથી વધુ માર્ક્સ મેળવ્યા હતા. પોલીસે પરિવારજનોના નિવેદન નોંધ્યા છે, જેમાં પરિવાર તરફથી અભ્યાસ કે અન્ય કોઈ બાબતનું કોઈ દબાણ ન હોવાનું સામે આવ્યું છે. અભ્યાસમાં તેજસ્વી હોવા છતાં અને પારિવારિક કોઈ પ્રેશર ન હોવા છતાં વિદ્યાર્થીએ આવું અંતિમ પગલું કેમ ભર્યું તે અંગે અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. પોલીસનું કહેવું છે કે વિદ્યાર્થીની તબિયતમાં સુધારો થયા બાદ તેનું વિગતવાર નિવેદન લેવામાં આવશે, ત્યાર બાદ જ આપઘાતના પ્રયાસ પાછળનું સાચું કારણ સ્પષ્ટ થશે. હાલ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar