top
120 કિલો અખાધ જથ્થાનો નાશ, 11 એકમોને નોટિસ:ફૂડ વિભાગનું 22 એકમોમાં ઈન્સ્પેક્શન, 5 યુનિટ બંધ કરાવ્યા, રૂ. 73,000નો દંડ ફટકાર્યો
વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી વિવિધ એકમો ઉપર આકસ્મિક ચેકિંગ હાથ ધરી લાલ આંખ કરવામાં આવી રહી છે. તહેવારોના દિવસો ચાલી રહ્યા છે ત્યારે મહાનગરપાલિકાની આ ખાસ ડ્રાઇવમાં આરોગ્ય સાથે ચેડા કરનાર અનેક લોકોને દંડવામાં આવ્યા છે. અનેક યુનિટને બંધ કરવામાં આવે છે અને કેટલાયને નોટિસ પાઠવવામાં આવી છે. આજે મહાનગરપાલિકાના વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરી કાર્યવાહી કરવામાં આવી હતી. ખાદ્યપદાર્થોના એકમો પર આકસ્મિક ચેકિંગ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરના આદેશ તથા ડેઝીગ્રેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદારના માર્ગદર્શન હેઠળ ખોરાક શાખાના સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્યપદાર્થોના એકમો પર આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વડોદરાના ઇનોર્બિટ મોલ સામે-ગોરવા, એલેમ્બિક સીટી, વાસણા-ભાયલી રોડ, નીલાંબર સર્કલ, સુરસાગર તળાવ પાસે, જાંબુવા બાયપાસ, હરણી-સમા લિંક રોડ, સયાજીગંજ અને અકોટા સહિતના વિસ્તારોમાં આવેલ હોકર, રીટેલર, ટી-શોપ, ફૂડ વેન્ડિંગ એસ્ટાબ્લિશમેન્ટ અને રેસ્ટોરન્ટ મળી કુલ 22 જેટલા એકમોનું ગહન ઇન્સપેક્શન કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશનો મુખ્ય હેતુ શહેરીજનોને શુદ્ધ, ગુણવત્તાયુક્ત અને હાઇજેનિક ખોરાક મળી રહે તે સુનિશ્ચિત કરવાનો હતો. સ્વચ્છતા ન જાળવનાર સામે દંડનીય કામગીરી ચેકિંગ દરમિયાન ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા મરચા પાવડર, મીઠું, છોલે મસાલો, સેવ, ચણાદાળ, સોયાસોસ, ગ્રીન ચીલી સોસ, વિનેગર તેમજ તૈયાર વાનગીઓ જેવી કે ચણા મસાલા અને સેવ-ટામેટાના શાક મળી કુલ 10 જેટલા શંકાસ્પદ ખાદ્યપદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા. આ તમામ સેમ્પલને પૃથ્થકરણ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે. કાર્યવાહી દરમિયાન સ્થળ પર જ 120 કિલો જેટલો અખાદ્ય અને દૂષિત ખોરાકનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, આરોગ્યના નિયમોનું પાલન ન કરનારા 11 એકમોને શિડ્યુલ-4 ની નોટિસ આપવામાં આવી હતી, જ્યારે ભારે અનિયમિતતા અને અસ્વચ્છતા દાખવનારા 5 જેટલા યુનિટોને સ્થળ પર જ બંધ કરાવી દેવામાં આવ્યા હતા. વોર્ડ શાખા સાથે મળીને હાથ ધરાયેલી આ સંયુક્ત કામગીરીમાં કુલ રૂ. 73,000 નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. સિન્થેટિક ફૂડ કલરના ઉપયોગ સામે કાર્યવાહી તપાસ દરમિયાન અકોટા વિસ્તારમાં આવેલ કબાબીસ અને એસ.એસ.આર. સાઉથ કોર્નર રેસ્ટોરન્ટમાં પ્રતિબંધિત સિંત્થેટિક ફૂડ કલરનો ઉપયોગ થતો હોવાનું માલૂમ પડતાં બંને એકમો બંધ કરાવાયા હતા. આ ઉપરાંત સુપર પાન નામના યુનિટમાંથી એક્સપાયરી ડેટ વાળો માલ મળી આવતા અને એમ.એમ.ટી. ટી-શોપ લાયસન્સ વગર ચાલતી હોવાથી તેમને પણ તુરંત બંધ કરવાના આદેશ અપાયા હતા. જાંબુવા બાયપાસ સ્થિત શ્રી સાઇ સીતારામ રેસ્ટોરન્ટ અને સુરસાગર પાસેના રાજુ પટ્ટી સમોસા ખાતેથી મોટી માત્રામાં અખાદ્ય સામગ્રી ઝડપાઇ હતી, જ્યાં સ્થળ પર જ દંડ ફટકારી સમોસા તથા પટ્ટીઓનો નાશ કરાયો હતો. અકોટા અને અન્ય વિસ્તારોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા એકમો સામે પણ દંડાત્મક પગલાં લેવાયા હતા. લાયસન્સ વગર પાણીપુરી બનાવનાર સામે કાર્યવાહી બીજી તરફ, બ્રહ્માનગર-૨ (ખોડીયારનગર) વિસ્તારમાં પાણીપુરીની પૂરીઓ બનાવતા 10 જેટલા ફૂડ બિઝનેસ ઓપરેટરોને ત્યાં પણ આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. આ તમામ એકમો કોઈપણ પ્રકારના માન્ય લાયસન્સ કે રજિસ્ટ્રેશન વગર ગેરકાયદેસર રીતે ધમધમતા હોવાનું સામે આવ્યું હતું. આથી ખોરાક શાખા, વોર્ડ ટીમ અને દબાણ શાખા દ્વારા સંયુક્ત કામગીરી કરીને આ સ્થળો પર ખડકી દેવાયેલી ગેરકાયદેસર ભઠ્ઠીઓ અને શેડ દૂર કરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પાલિકાની આ આક્રમક ઝુંબેશથી અસ્વચ્છ અને ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થો વેચતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. કોને કેટલો દંડ ફટકારાયો?
Read full article on Divya Bhaskar