top
શ્રધ્ધા સાથે ઉત્સાહનો સમન્વય:ભંડારિયામાં ધાવડી માતાજીના મંદિરે દિવાસા નિમિત્તે વિશિષ્ટ 'ખીરનો હવન' યોજાયો, મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા, 13 દાયકા જૂની પરંપરા
ભંડારિયા ગામની પ્રથા અને પરંપરા અનુસાર યોજાયો વિશિષ્ઠ એવો ખીરનો હવન ભંડારિયામાં મેલકડીના ડુંગરમાં ધાવડી માતાજીના ઐતિહાસિક મંદિરે આજે દિવાસાના પર્વે પરંપરા અનુસાર વિશિષ્ઠ એવો ‘ખીરનો હવન’ યોજાયો હતો, જેમાં માતાજીને ખીરનો ભોગ ધરાવી સૌ ગ્રામજનોએ મંદિરના પરિસરમાં ખીરનો પ્રસાદ લીધો હતો. વહેલી સવારથી તપેલા મોઢે ખીરનો પ્રસાદ બનાવવાનું શરૂ કરાયું હતું અને બપોર સુધી ક્રમશ ખીર બનતી ગઈ અને ભાવિકો પ્રસાદ ગ્રહણ કરતા ગયા હતા. તાજી અને ગરમાં ગરમ ખીર થાળી મોઢે જમવાની પ્રથા પણ રોમાંચક છે છેલ્લા ઘણા વર્ષોથી ભાવનગરથી પણ મોટી સંખ્યામાં ભાવિકો આ પરંપરા માણવા અહીં પરિવાર સાથે સહભાગી થાય છે, ચોમાસાની ઋતુમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી હોય પર્યાવરણ પ્રેમીઓ પણ કુદરતનો ખોળો ખુંદવા સાથે ખીરના પ્રસાદની મજા માણતા થયા છે આજે પણ મોટી સંખ્યામાં ભાવનગરથી ભાવિકો, યાત્રિકો અને પ્રવાસીઓ સામેલ થયા હતા. જ્યારે ભંડારિયા તેમજ આજુબાજુના ગ્રામજનોએ શ્રધ્ધાપૂર્વક માતાજીને માથું ટેકવી ખીરનો પ્રસાદ લીધો હતો, અહીં સમૂહમાં ખીરનો પ્રસાદ જમવા સાથે ઘરે લઈ જવાની પ્રથા છે તે મુજબ ઘરે ઘરે ખીર પહોંચી હતી. ગ્રામજનો ખૂબ જ શ્રધ્ધાભેર ખીરનો પ્રસાદ દૂર દૂર રહેતા પરિવારજનો અને સબંધીઓ સુધી પહોંચાડે છે, લગભગ 13 દાયકા કરતા પણ વધુ જૂની આ પરંપરા ગ્રામજનોએ ભારે શ્રદ્ધા અને ઉત્સાહભેર જાળવી રાખી છે જે ભાવ ભક્તિ સાથે એકતાનો પરિચય આપે છે.!
Read full article on Divya Bhaskar