top
'13 કરોડ વોટ કાપ્યા, શું આ લોકો દેશમાંથી ગાયબ થયા':રણદીપસિંહ સુરજેવાલાએ કહ્યું-લોકશાહી પર સરકાર-પીએમ હુમલા કરી રહ્યા છે, રાજીવ ગાંધી ભવન પર સરદાર પટેલની જન્મજયંતીની ઉજવણી
ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજીવ ગાંધી ભવન ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે પ્રદેશ પ્રભારી રણદિપસિંહ સુરજેવાલા, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના કોંગ્રેસના નેતાઓ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીની ઉજવણી દરમિયાન પ્રદેશ પ્રભારીએ વોટ ચોરી મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. 13 કરોડ વોટ કાપી સંવિધાન પર હુમલો કરવામાં આવી રહ્યો હોવાનો પ્રદેશ પ્રભારી રણદિપસિંહ સુરજેવાલાએ આક્ષેપ કર્યો છે. 'સરદાર પટેલે એક વ્યક્તિ, એક વોટ માટે કામ કર્યું હતું' રણદિપસિંહ સુરજેવાલાએ વધુમાં જણાવ્યું હતું કે, દેશના નેતા સરદાર વલ્લભભાઈ પટેલની આજે જન્મ જયંતી છે, તેમજ ઈન્દિરા ગાંધીનો બલિદાન દિવસ છે. સરદાર વલ્લભભાઈ પટેલ એક વ્યક્તિ એક વોટના સૌથી મોટા સંરક્ષક હતા. ગાંધી, નહેરુ, પટેલ, આંબેડકર સહિતના સ્વતંત્ર સેનાનીઓએ એક વ્યક્તિ એક વોટનો અધિકાર આપ્યો હતો. સંવિધાન સભાથી લઈને દેશના ખૂણે ખૂણા સુધી સરદાર વલ્લભભાઈ પટેલે દેશના ગરીબ હોય કે અમીર તમામને એક વ્યક્તિ એક વોટ અપાવવા માટે કામ કર્યું હતું. આજે આજ વોટનો અધિકાર પર મોદી સરકાર અને ચૂંટણી આયોગ દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે. 'દેશના સંવિધાન પર સરકાર અને પીએમે હુમલો કર્યો છે' સૂરજેવાલાએ વધુમાં જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈના વંશજ તેમજ તેમના ઉત્તરાધિકારી તેમજ તેમની આગળની પેઢી અને રાહુલ ગાંધી-ખડગેજી અને કોંગ્રેસનો દરેક કાર્યકર્તા વોટની રક્ષા માટે અડગ ઉભા છે. 1 નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાન ખાતે સંવિધાન બચાવો વોટ બચાવો રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, તેનો લક્ષ્ય એ જ છે જે સરદાર વલ્લભભાઈ પટેલે આપણને શીખવાડ્યો છે. સંવિધાન પર દેશની સરકારે હુમલો કર્યો છે. દેશના પ્રજા તંત્ર પર પ્રધાનમંત્રી અને સરકારે હુમલો કર્યો છે. અત્યારે એવું ચાલી રહ્યું છે કે તે જેમને પસંદ કરશે તેમને જ વોટનો અધિકાર મળશે બાકી બધાના વોટ કાપી નાખવામાં આવશે. 13 કરોડ વોટ કાપી નાખવામાં આવ્યા છે. મારો સવાલ છે કે શું 13 કરોડ લોકો દેશમાંથી ગાયબ થઈ ગયા છે? તેનો કોઈપણ જવાબ નરેન્દ્ર મોદી પાસે નથી. 'સરદાર પટેલના વંશજ આજે પણ છે, લડાઈ લડીશું' વધુમાં SIRની કામગીરી પર સવાલ ઉઠાવી રણદિપસિંહ સુરજેવાલાએ જણાવ્યું હતું કે, એક ખુલાસો એ થયો છે કે જ્યાં SIR થઈ ગઈ છે ત્યાં એક મોડલ લાગુ કરી હજારો વોટ કોઈપણ ફોર્મ ભર્યા વગર, પૂછ્યા વગર કાપવામાં આવી રહ્યા છે. તેમજ કોઈપણ પૂછપરછ વગર નામ અને પિતાનું નામ બદલી નાખવામાં આવે છે. જેથી જ્યારે વોટ આપવા જાય ત્યારે તેને વોટ આપવાનો અધિકાર ન મળી શકે. વોટ કાપવામાં આવશે, રાશન કાપવામાં આવશે, પછી પેન્શન, સરકારી સ્કીમમાં હિસ્સો, નાગરિકતા અને પછી એક દિવસ વ્યક્તિને જ દેશમાંથી કાઢી નાખવામાં આવશે. સરદાર પટેલના વંશજ આજે પણ જીવતા છે અને તે લડાઈ હંમેશા લડીશું.
Read full article on Divya Bhaskar