politics
યુવક કોંગ્રેસનું ‘બેટર સિટીઝ’ અભિયાન લોન્ચ:શહેરમાં લોકોની સમસ્યા સાંભળવા 15 ઑગસ્ટથી ઘર-ઘર સુધી જશે કાર્યકર્તા, પ્રશ્નોનું નિરાકરણ લાવવા અધિકારીઓ પાસેથી બાહેંધરી લેશે
અમદાવાદ યુવક કોંગ્રેસ દ્વારા શહેરમાં ‘બેટર સિટીઝ’ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. હવે યુવક કોંગ્રેસ પણ લોકોના પ્રશ્નો સીધા તેમના ઘર સુધી જઈને સાંભળશે. આ અભિયાનમાં શહેરના અલગ-અલગ વિસ્તારોમાં 6 યુનિયન સાથે મળીને અંદાજે 300 બેઠક યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સફાઈ કર્મચારીઓ, ઘરોમાં કામ કરતી બહેનો, સુરક્ષા ગાર્ડ, ઓટો-ટેક્સી ચાલકો, લારી-પાથરણાવાળા અને ડિલિવરી રાઈડર્સ સહિતના વર્ગો સાથે બેઠક કરી તેમના પ્રશ્નો અને સમસ્યાઓ જાણશે. યુવક કોંગ્રેસના કાર્યકર્તાઓ જનતાના ઘરે જઈ તેમની સમસ્યાઓ સાંભળશે. જે બાદ લોકોને સાથે આંદોલનના કાર્યક્રમ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. યુવક કોંગ્રેસના કાર્યકર્તાઓ જનતા સુધી પહોંચશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખથી લઈને તમામ કાર્યકર્તાઓ લોકોની સમસ્યા સંભાળવા ઘર ઘર સુધી ગયા હતા. તેમજ તેના આધારે મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવ્યો હતો. પરંતુ ચૂંટણીમાં કોંગ્રેસને ચૂંટણીમાં જોઈએ તેવું પરિણામ મળી શક્યું નહીં. ત્યારે અમદાવાદ સહિત રાજ્યના તમામ મોટા શહેરોમાં આ અભિયાન થકી યુવક કોંગ્રેસના કાર્યકર્તાઓ જનતા સુધી જશે. લોકોની સમસ્યા સાંભળ્યા બાદ તેનું નિરાકરણ લાવવા આવેદનપત્રથી લઈ આંદોલનનાત્મક કાર્યક્રમ પણ કરવાની તૈયારી દર્શાવી છે. લોકોની સમસ્યાની અધિકારીઓને રજૂઆત કરાશે જનતાને સાથે રાખી યુવક કોંગ્રેસ દ્વારા અધિકારીઓ પાસેથી સમસ્યાનું નિરાકરણ કેટલા દિવસમાં કરવામાં આવશે તેની લેખિત બાંહેધરી લેશે. જો નક્કી કરાયેલા સમયગાળામાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. યુવક કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે, અમદાવાદના પૂર્વ વિસ્તારના નાગરિકો સાથે નેતાઓ અને અધિકારીઓ દ્વારા ભેદભાવ કરવામાં આવે છે. જેથી બેટર સિટી અભિયાન થકી તેમનો અવાજ ઉઠાવવામાં આવશે. 'સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જાય છે' ગુજરાત યુવક કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી અર્થ અમીને જણાવ્યું હતું કે, ભારતીય યુવક કોંગ્રેસ દ્વારા ભાજપ જે શહેરોને સ્માર્ટ અર્બન સીટી ધરાવે છે તેમાં અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના આઠ શહેરને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે. લોકોના પ્રશ્નોને લઈને રજૂઆત કરી તેના નિરાકરણ માટે લેખિત બાંહેધરી માંગવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જાય છે. દેશના ગૃહમંત્રી પોતાના મતવિસ્તારની ચિંતા કરી મુખ્યમંત્રીને પત્ર લખે છે. 'અમદાવાદમાં આવતીકાલથી અભિયાન શરૂ કરાશે' વધુમાં અર્થ અમીને જણાવ્યું હતું કે, પરંતુ બાપુનગર, અમરાઈવાડી સહિતના વિસ્તારોની કોઈ ચિંતા કરતું નથી. ગટરમાં માણસોને ઉતારવાની પ્રથા વર્ષો પહેલા બંધ કરવામાં આવી હતી. પરંતુ અમદાવાદમાં હજુ પણ તે પ્રથા ચાલુ છે તેના વિરોધમાં અભિયાન ચલાવવામાં આવશે. જેથી બધા મુદ્દાઓને લઈ યુવક કોંગ્રેસનો કાર્યકર્તા રસ્તાથી લઈને મોહલ્લા સુધી લડતો જોવા મળશે. 'અમદાવાદ વિકસતું શહેર હોવાની માત્ર વાતો' અમદાવાદ યુવક કોંગ્રેસના પ્રમુખ ઈમરાન સાંધીએ જણાવ્યું હતું કે, અમદાવાદને વિકસતું શહેર હોવાની માત્ર વાતો કરવામાં આવે છે. પરંતુ જ્યારે સામાન્ય વરસાદ પડે ત્યારે પાણીની સમસ્યા જોવા મળે છે. ટ્રાફિકના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. એવી પરિસ્થિતિ સર્જાય છે કે મુખ્યમંત્રીને ખુદ સ્થિતિનું નિરીક્ષણ કરવા આવવું પડે છે. છતાં કોઈપણ પ્રકારનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવતું નથી. છ યુનિયનને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે. યુનિયનની શું સમસ્યા છે અને જનતાના હજુ પણ કયા કામ નથી થઈ રહ્યા તેને લોકોના ઘર સુધી જઈશું.
Read full article on Divya Bhaskar