top
સુરતમાં હોટફિક્સનો કચરો ફેંકવા બાબતે રાજકીય વિવાદ:વોર્ડ નં. 17માં રિક્ષા ઝડપાતા ભાજપ અગ્રણી ભરત ગલાણીનો આપ સામે ષડયંત્રનો આક્ષેપ, પોલીસ ફરિયાદ દાખલ કરાશે
સુરતમાં હોટફિક્સ કચરાના નિકાલને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે પુણા પૂર્વ વિસ્તારમાં એક મોટી ઘટના સામે આવી છે. વોર્ડ નંબર 17માં બાલમુકુંદ સોસાયટી પાસે જાહેર રોડ પર મોટી માત્રામાં હોટફિક્સ પ્લાસ્ટિક વેસ્ટ ભરીને ઠાલવવા આવેલી ઓટોરિક્ષાને સ્થાનિક ભાજપના અગ્રણી ભરત ગલાણી તેમજ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે રંગેહાથે ઝડપી પાડ્યો છે. આ મામલે ભાજપ દ્વારા આમ આદમી પાર્ટી સામે તંત્રને બદનામ કરવાના ષડયંત્રનો સીધો આક્ષેપ કરી રિક્ષાચાલક વિરુદ્ધ કાયદેસરની પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. રિક્ષામાં હોટફિક્સનો પ્લાસ્ટિક કચરો ગત(1 ઓગસ્ટ) રાત્રે પુણા પૂર્વ વિસ્તારમાં નાયરા પેટ્રોલ પંપ પાસે મનપાના આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કચરાની સફાઈની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન એક ઓટોરિક્ષા શંકાસ્પદ રીતે કચરો ભરીને ત્યાં પહોંચી હતી. સ્થળ પર હાજર સ્થાનિક અગ્રણીઓ અને અધિકારીઓએ રિક્ષાને રોકીને તપાસ કરતાં તેમાંથી મોટા પ્રમાણમાં હોટફિક્સનો પ્લાસ્ટિક કચરો તેમજ ચાલક પાસેથી માચીસ અને લાઇટર મળી આવ્યા હતા, જેથી કચરો સળગાવવાનો ઇરાદો હોવાની શંકા દ્રઢ બની હતી. 'આપ વાળા ને ભેજા હૈ, ઝાડુ વાળા ને ભેજા હૈ' વોર્ડ નંબર 17ના ભાજપના વોર્ડ પ્રમુખ ભરત ગલાણીએ જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે અમારા વોર્ડ નંબર 17 પુણા પૂર્વ વિસ્તારની અંદર બાલમુકુંદ સોસાયટી પાસે જાહેર રોડ ઉપર હોટફિક્સના કચરાની ફરિયાદ મળતાં આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સફાઈની કામગીરી કરી રહ્યા હતા. એ દરમિયાન એક અજાણ્યો ઈસમ ઓટોરિક્ષા લઈને વધુ માત્રામાં હોટફિક્સનો કચરો નાખવા આવ્યો હતો. અમે તેને પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે, તેને હીરાબાગથી મોકલવામાં આવ્યો છે અને 'આપ વાળા ને ભેજા હૈ, ઝાડુ વાળા ને ભેજા હૈ'. આમ આદમી પાર્ટી દ્વારા છેલ્લા કેટલાક દિવસથી લોકોને ભ્રમિત અને ઉશ્કેરીને જે ષડયંત્ર રચવામાં આવ્યું છે, તેના વિરુદ્ધમાં અને આ કચરો નાખવા આવેલી ઓટોરિક્ષા-ચાલક વિરુદ્ધ અમે કાયદેસરની પોલીસ ફરિયાદ અને કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે. 'બદનામ કરવા માણસો મોકલી કચરો ઠલવડાવી રહ્યો છે' ભરત ગલાણીએ વધુમાં જણાવ્યું હતું કે, વિરોધ પક્ષ સત્તાધારી પક્ષ અને મનપા તંત્રને બદનામ કરવા માટે ભાડૂતી માણસો મોકલી કચરો ઠલવડાવી રહ્યો છે. બીજી તરફ, તેમણે સ્થાનિક શ્રમજીવી અને મધ્યમવર્ગીય કારખાનેદારોને ખાતરી આપી હતી કે કોઈના એકમો સીલ થશે નહીં અને તમામને ધંધો કરવાનો પૂરો અધિકાર છે. હાલ રિક્ષાચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી આ ષડયંત્ર પાછળ કોણ સંડોવાયેલું છે તેની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.
Read full article on Divya Bhaskar