top
ભાસ્કર વિશેષ:રાજુલાની માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતોને નવા કપાસના રૂા. 1781થી 1851 સુધી મળ્યા, જણસ વેચવા ધસારો
રાજુલામાં દિવાળીના તહેવારો નજીક આવતાં રાજુલા માર્કેટિંગ યાર્ડમાં કપાસ સહિતના નવા કૃષિ પાકોની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજુલા અને જાફરાબાદ પંથકના ખેડૂતો પોતાની મહેનતથી તૈયાર કરેલો પાક વેચવા માટે મોટી સંખ્યામાં યાર્ડમાં ઉમટી પડ્યા હતા. ખાસ કરીને નવા કપાસના 1781થી રૂપિયા 1851 સુધીના ભાવ મળતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. દિવાળીના તહેવારો પહેલાં પોતાની જણસનું વેચાણ પૂર્ણ કરી શકાય તે હેતુથી ખેડૂતો કપાસ અને મગફળી સહિતના પાક સાથે વહેલી સવારથી જ યાર્ડમાં પહોંચ્યા હતા. રાજુલા માર્કેટિંગ યાર્ડ આગામી શુક્રવાર સુધી ચાલુ રહેશે. ત્યારબાદ લાભ પાંચમ સુધી રજા રહેશે. આથી તહેવારો પહેલાં પાક વેચવાની ઉતાવળ વચ્ચે યાર્ડમાં ખેડૂતોની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી રહી છે. ગુજરાત રાજ્ય કૃષિ બજાર નિયંત્રણ બોર્ડના ચેરમેન જીગ્નેશભાઈ પટેલ, રાજુલા માર્કેટિંગ યાર્ડના ચેરમેન રાજુભાઈ પરસાણા તથા સેક્રેટરી રાજુભાઈ કાકડીયા સહિતનાઓએ યાર્ડમાં આવતા ખેડૂતોને કોઈ અગવડતા ન પડે અને વ્યવસ્થા જળવાઈ રહે તે દિશામાં કામગીરી આગળ ધપાવી હતી. દિવાળીના તહેવારો પહેલાં ખેડૂતોની જણસનું વેચાણ અને નિકાલ સમયસર થઈ શકે તે માટે યાર્ડ તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીને પગલે બજારમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે.
Read full article on Divya Bhaskar