top
કસ્ટમર કેરના બહાને સાયબર ઠગોએ વૃદ્ધ પાસેથી 19.30 લાખ પડાવ્યા:બેંકનો ચેક ક્લિયર કરાવવો માંજલપુરના નિવૃત્ત ફાઇનાન્સરને મોંઘો પડ્યો, એપ્લિકેશન ડાઉનલોડ કરાવી રુપિયા સેરવી લીધા
વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા 63 વર્ષીય નિવૃત્ત ફાઇનાન્સર સાથે સાયબર ઠગાઈનો મોટો કિસ્સો સામે આવ્યો છે. ગૂગલ પરથી બેંક ઓફ ઈન્ડિયાનો ફેક કસ્ટમર કેર નંબર મેળવીને ચેક ક્લિયર કરાવવાની પ્રક્રિયા કરવા ગયેલા વૃદ્ધને ઠગોએ APK એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ખાતામાંથી રૂ.19.30 લાખ સેરવી લીધા હતા. નંબર ગૂગલ પર સર્ચ કર્યો ને નિવૃત્ત ફાઇનાન્સર ઠગની ચાલમાં ફસાયા માંજલપુર વિસ્તારમાં રહેતા 63 વર્ષીય નિવૃત્ત શીતલકુમાર મહેતાએ ગત 31 ઓગસ્ટે તેમની બહેનના બેંક ખાતામાં રહેલો રૂ.19.05 લાખનો ચેક ક્લિયર કરાવવા માટે બેંક ઓફ ઈન્ડિયાની એસ.એમ.રોડ બ્રાન્ચનો સંપર્ક નંબર ગૂગલ પર સર્ચ કર્યો હતો. આ દરમિયાન તેમને મળેલા એક મોબાઇલ નંબર પર ફોન કરતા સામેવાળી વ્યક્તિએ પોતાનું નામ મુકેશકુમાર હોવાનું અને તે બેંક ઓફ ઈન્ડિયાના કસ્ટમર કેર વિભાગમાંથી તથા મેનેજર બોલી રહ્યો હોવાનું જણાવી વૃદ્ધને વિશ્વાસમાં લીધા હતા. બેંકનો ચેક ક્લિયર કરાવવા એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ઠગે ચેક ક્લિયર કરવાની પ્રક્રિયા ઓનલાઇન પૂર્ણ કરવાનું કહી વોટ્સએપ પર ‘Customer support.apk’ નામની એક એપ્લિકેશન મોકલી હતી. ફોન પર વાતચીત ચાલુ રાખીને જ આરોપીએ વૃદ્ધ પાસે આ એપ ઇન્સ્ટોલ કરાવી હતી. ત્યારબાદ એપમાં નામ અને મોબાઇલ નંબર ઉપરાંત ડેબિટ કાર્ડ નંબર, એક્સપાયરી ડેટ, પિન તેમજ નેટ બેંકિંગ યુઝર આઈડી, પિન અને ટ્રાન્ઝેક્શન પાસવર્ડ જેવી બેંકિંગ વિગતો ભરાવી લીધી હતી. ઓટીપી આવવા લાગ્યા અને 19.30 લાખ અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર આ પ્રક્રિયા દરમિયાન વૃદ્ધના મોબાઈલ પર સતત ઓટીપી આવવા લાગ્યા હતા અને થોડી જ વારમાં અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા ખાતામાંથી કુલ રૂ. 19.30 લાખ અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર થઈ ગયા હતા. દરમિયાન ફોનની બેટરી ઉતરી જવાથી મોબાઇલ બંધ થઈ ગયો હતો. બીજા દિવસે ઠગે ફરીથી વોટ્સએપ કોલ કરી ફોન કેમ બંધ કર્યો તેમ પૂછી પ્રક્રિયા અધૂરી રહી હોવાનું કહી ફરીથી પ્રક્રિયા કરાવી હતી, જેથી વૃદ્ધને છેંતરાયા હોવાની શંકા ગઈ હતી. વૃદ્ધે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જ્યારે વૃદ્ધે રકમ પરત આપવાની વાત કરી ત્યારે આરોપીએ પૈસા પરત આવી જશે તેમ કહી ફોન કાપી નાખ્યો હતો અને બાદમાં મોબાઇલ સ્વિચ ઓફ કરી દીધો હતો. સમગ્ર મામલે છેતરપિંડીની જાણ થતાં વૃદ્ધે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મોબાઇલ નંબરના ધારકો, વોટ્સએપ યુઝર્સ, નાણાં મેળવનાર ખાતાધારકો તેમજ APK એપ્લિકેશન બનાવનાર શખ્સો સામે કાયદેસરની તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar