top
1કિલો પ્લાસ્ટિક જમા કરી માટીના ગણેશજી લેવા સુરતીઓનો ઉત્સાહ:700 મૂર્તિઓ ગણતરીના દિવસોમાં પૂર્ણ થતાં તંત્ર દોડતું થયું, ઉત્સાહ જોઈ વધુ 500 પ્રતિમાઓનો તાબડતોબ નવો ઓર્ડર આપવો પડ્યો
ગણેશોત્સવ પૂર્વે પર્યાવરણ સંરક્ષણ અને શહેરમાંથી પ્લાસ્ટિક કચરાના વૈજ્ઞાનિક નિકાલ માટે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત 1 કિલો રિ-યુઝ થઈ શકે તેવો પ્લાસ્ટિક વેસ્ટ જમા કરાવનાર નાગરિકને વિનામૂલ્યે માટીમાંથી બનેલી ઈકો-ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમા ભેટ આપવામાં આવી રહી છે. મનપાના આ અભિયાનને સુરતના શહેરીજનો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો છે. 9 ઝોનમાં 1200 કિલોથી વધુ પ્લાસ્ટિક એકત્રિત સુરત શહેરના તમામ 9 ઝોનમાં કાર્યરત કરાયેલા કલેક્શન સેન્ટરો પર અત્યાર સુધીમાં અંદાજે 1200 કિલોથી વધુ પ્લાસ્ટિક કચરો એકત્રિત થયો છે. લોકો પોતાના ઘરો અને સ્ટોરરૂમમાં સંગ્રહાયેલું બિનઉપયોગી પ્લાસ્ટિક એકઠું કરીને ઉત્સાહપૂર્વક સેન્ટરો પર પહોંચી રહ્યા છે. સખી મંડળો દ્વારા શાસ્ત્રોક્ત માટીની મૂર્તિઓ નિર્મિત આરોગ્ય અધિકારી ડો. ઉમરીગરે જણાવ્યું કે, યુસીડી (અર્બન કોમ્યુનિટી ડેવલપમેન્ટ) વિભાગ હસ્તકના સ્થાનિક સખી મંડળો પાસે શાસ્ત્રોક્ત માટીની નાની પ્રતિમાઓ તૈયાર કરાવવામાં આવી હતી. આ પહેલથી મહિલા સશક્તિકરણ અને પર્યાવરણ જાગૃતિનો બેવડો સંદેશ મળી રહ્યો છે. મૂર્તિઓનો સ્ટોક પૂર્ણ થતાં નવી 500 પ્રતિમાનો ઓર્ડર પ્રારંભિક તબક્કે તૈયાર કરાયેલી તમામ 700 મૂર્તિઓ નાગરિકો દ્વારા પ્લાસ્ટિક જમા કરાવીને લઈ જવાતા સેન્ટરો પર સ્ટોક પૂર્ણ થઈ જવા આવ્યો છે. નાગરિકોની વધતી જાગૃતિને જોતાં સ્વચ્છતા કામગીરી સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરો અને એજન્સીઓએ સખી મંડળો પાસે વધુ 500 પ્રતિમાઓ બનાવવાનો તાત્કાલિક ઓર્ડર આપ્યો છે. પ્લાસ્ટિક નિકાલ માટે કાયમી કલેક્શન સેન્ટરોનું આયોજન શહેરીજનોમાં નકામા પ્લાસ્ટિકના યોગ્ય નિકાલની કાયમી ટેવ કેળવાય તે માટે તંત્ર હવે લાંબાગાળાનું આયોજન કરી રહ્યું છે. આગામી દિવસોમાં પ્લાસ્ટિક વેસ્ટનો નિકાલ કરતી એજન્સીઓ મારફતે શહેરમાં કાયમી કલેક્શન સેન્ટરો ઊભા કરાશે, જ્યાં નાગરિકોને નિયમિત પ્રોત્સાહક ઇનામો આપી પ્રોત્સાહિત કરાશે.
Read full article on Divya Bhaskar