crime
જમવા બાબતે સામાન્ય બોલાચાલીમાં સુરતમાં લોહિયાળ ખેલ:મિત્રએ જ ચપ્પુના ઘા ઝીંકી રહેંસી નાખ્યો, ડીંડોલી પોલીસે ફરાર ઉત્તર પ્રદેશના 2 આરોપી અને 1 કિશોરને પકડ્યા
ગત તારીખ 30/07/2026ના રોજ સુરત શહેરના ડીંડોલી, નવાગામ સ્થિત લક્ષ્મણનગર વિસ્તારમાં મોડી રાત્રે લોહિયાળ ખેલ ખેલાયો હતો. આશરે પોણા એક વાગ્યાના સુમારે પ્રવિણ ઉર્ફે આંબા શિરસાઠ (કોળી) અને તેના મિત્ર ભુષણ ઉર્ફે બબલુ બંસીલાલ પાટીલ વચ્ચે માત્ર જમવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. અદાવતમાં ભુષણ ઉર્ફે બબલુ પાટીલે પોતાના અન્ય મિત્રોને સાથે રાખીને પ્રવિણ પર ચપ્પુ વડે ગળાના ભાગે તથા શરીર પર આડેધડ ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘવાયેલા પ્રવિણનું મોત નીપજ્યું હતું. આ મામલે મૃતકના ભાઈ દ્વારા ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે બાતમીદારોની મદદથી ફરાર આરોપીઓને ઝડપી પાડ્યા આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખી ડીંડોલી પોલીસ સ્ટેશનના પી.આઈ.ની સૂચના મુજબ સર્વેલન્સ ટીમ દ્વારા તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ પૈકી પકડવાના બાકી રહેલા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે બાતમીદારો અને સર્વેલન્સ નેટવર્કનો ઉપયોગ કર્યો હતો. અંતે, ડીંડોલી પોલીસની ટીમે ટેક્નિકલ એનાલિસિસ અને બાતમીના આધારે દરોડો પાડીને ફરાર 2 મુખ્ય આરોપીઓ સહિત 1 કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર (સગીર)ને રાઉન્ડઅપ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓની વિગત પોલીસના હાથે ઝડપાયેલા મુખ્ય આરોપીઓમાં 23 વર્ષીય કિશન મહેન્દ્ર રાજભર (રહે. પ્લોટ નં.58, લક્ષ્મણનગર, નવાગામ, ડીંડોલી, મૂળ રહે. વારાણસી, ઉત્તર પ્રદેશ) તથા 32 વર્ષીય અરૂણ ઉર્ફે ચિન્ટુ ઉર્ફે કાલીયા મુન્નીલાલ પ્રજાપતિ (ધંધો: મજુરી, રહે. લક્ષ્મણનગર, ડીંડોલી તથા તાતીથૈયા, કડોદરા, મૂળ રહે. વારાણસી, ઉત્તર પ્રદેશ)નો સમાવેશ થાય છે. આ સિવાય 1 કાયદાના સંઘર્ષમાં આવેલા સગીર વયના કિશોરની પણ અટકાયત કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લાના વતની છે અને સુરતમાં મજૂરી કામ અર્થે રહેતા હતા.
Read full article on Divya Bhaskar