crime
ત્રણ શખ્સોએ કુહાડી, લોખંડના પાઈપ, લાકડી વડે માર માર્યાની ફરિયાદ:મીઠાપુરમાં તળાવમાંથી મશીન કાઢી લેવાનું કહેતા 2 સગા ભાઈ પર હુમલો
જાફરાબાદ તાલુકાના મીઠાપુર ગામે તળાવમાંથી સિંચાઈ માટે પાણી ખેંચવા મૂકેલા મશીનને બંધ કરી હટાવી લેવાની વાતને લઈને મનદુઃખ થતાં મારામારીની ઘટના બની હતી. જેમાં ત્રણ શખ્સોએ બે સગા ભાઈને રસ્તામાં રોકી ગાળો આપી કુહાડી, લોખંડના પાઈપ અને લાકડી વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે. જાફરાબાદના મીઠાપુર ગામના અશોકભાઈ સુખાભાઈ મકવાણા (ઉ.વ. 25)ની વાડીની બાજુમાં આવેલા તળાવમાંથી સિંચાઈ માટે પાણી ખેંચવા મશીન મૂકવામાં આવ્યું હતું. આ મશીન બંધ કરી હટાવી લેવા બાબતે અશોકભાઈએ છના મકવાણાને કહ્યું હતું. આ વાતનું મનદુઃખ રાખીને ગઇ કાલે બપોરે આશરે ત્રણ વાગ્યાના અરસામાં અશોકભાઈ તથા તેમના ભાઈ અરવિંદભાઈ બાઇક પર વાડીએથી ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે છના મકવાણા અને તેમના બે દીકરા લાલા અને સંજય છનાભાઈએ તેમને રસ્તામાં વચ્ચે રોકીને તમે ગામના સરપંચને ફોન કરીને તળાવમાંથી મશીન હટાવવાનું કેમ કહ્યું હતું કહી બંને ભાઈઓ સાથે ગાળાગાળી કરી હતી. કુહાડી, લાકડી અને પાઇપ વડે મારમાર્યો હતો. આ હુમલામાં બંને ભાઈને શરીરના અલગ અલગ ભાગોમાં ઇજા પહોચતા સારવારમાં ખસેડાયા હતા. ઉપરાંત બંને ભાઈને મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ અંગે નાગેશ્રી પોલીસે છના પાંચાભાઈ મકવાણા, લાલા છનાભાઈ મકવાણા અને સંજય છનાભાઈ મકવાણા વિરૂદ્ધ ગુન્હો નોંધ્યો છે.
Read full article on Divya Bhaskar