crime
તહેવારોમાં સાવચેતીની રાખવી અનિવાર્ય:ગોત્રી હોસ્પિટલમાં 24 કલાક ઇમરજન્સી સેવા કાર્યરત રહેશે, દિવાળીમાં આટલું ધ્યાન રાખો
દિવાળીના તહેવારોની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે વડોદરા સ્થિત જી.એમ.ઈ.આર.એસ. ગોત્રી હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. અનુપ ચંદાનીએ આગામી દિવાળીના પર્વને અનુલક્ષીને નાગરિકો જોગ એક મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી અપીલ જારી કરી છે. તહેવારોની મોસમમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળતો હોય છે, પરંતુ આ ખુશીઓ વચ્ચે જાગરૂકતા અને સાવચેતી રાખવી અનિવાર્ય છે તેમ ડૉ. ચંદાનીએ ભારપૂર્વક જણાવ્યું હતું. ઉપરાંત દિવાળીના તહેવારો દરમિયાન જો કોઈ અનિચ્છનીય બનાવ બને તો હોસ્પિટલની સ્ટાફ ખડેપગે રહેશે તેમ પણ તેઓ જણાવ્યું હતું. પોતાનું અને આસપાસના લોકોનું ધ્યાન રાખો દિવાળી નજીક આવતાં જ બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈ ફટાકડા ફોડીને ઉત્સાહથી ઉજવણી કરતા હોય છે, પરંતુ આ દરમિયાન થતી નાની અમસ્તી અસાવધાની પણ ભારે નુકસાન પહોંચાડી શકે છે. ડૉ.અનુપ ચંદાનીના જણાવ્યા અનુસાર, ફટાકડા ફોડતી વખતે હંમેશા ખુલ્લા મેદાન કે ખુલ્લી જગ્યાઓની પસંદગી કરવી જોઈએ અને ક્યારેય પણ ભીડભાડવાળા વિસ્તારો કે વાહનોની નજીક ફટાકડા ફોડવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને બાળકો જ્યારે ફટાકડા ફોડતા હોય ત્યારે પરિવારના વડીલોની દેખરેખ અને હાજરી હોવી અત્યંત આવશ્યક છે, જેથી કોઈપણ અણબનાવ અટકાવી શકાય. ફટાકડા ફોડતી વખતે સુતરાઉ કપડાં પહેરો તહેવાર દરમિયાન શરીરની સુરક્ષા માટે સિન્થેટિક કે નાયલોન કપડાં પહેરવાને બદલે માત્ર સૂતરાઉ (કોટન) કપડાં પહેરવા હિતાવહ છે, કારણ કે સૂતરાઉ કપડાં અગ્નિ સામે વધુ સુરક્ષિત રહે છે. આ ઉપરાંત, અકસ્માત કે આગની કોઈપણ આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા માટે પ્રાથમિક સારવારના ભાગરૂપે પાણીની બાલ્ટી અને ફર્સ્ટ એઈડ બોક્સ હંમેશા સાથે રાખવું જોઈએ. ક્યારેય પણ સળગતા કે ફૂટેલા ન હોય તેવા ફટાકડાની નજીક ફરીથી જવું નહીં અને લાંબી અગરબત્તી કે સેફ્ટી હોલ્ડરનો ઉપયોગ કરવો જોઈએ. તહેવારની ખુશીઓમાં થોડી પણ બેદરકારી જીવનભરનો અસહ્ય પસ્તાવો બની શકે છે, તેથી દરેક નાગરિકે સાવચેતીપૂર્વક જવાબદારીપૂર્વક દિવાળીની ઉજવણી કરવી જોઈએ. 24X7 ઇમરજન્સી સેવા કાર્યરત વધુમાં તેમણે ઉમેર્યું હતું કે અસાવધાનીના કારણે દાઝવાની કે અન્ય કોઈ ગંભીર અકસ્માત જેવી અપ્રિય ઘટનાઓ સર્જાઈ શકે છે, જેનાથી પરિવારની ખુશીઓ માતમમાં ફેરવાઈ જાય છે. જો ક્યારેય આવી કોઈ અનિચ્છનીય ઘટના ઘટે જ, તો નાગરિકોએ ઘબરાઈ જવાને બદલે તાત્કાલિક તબીબી સહાય લેવી જોઈએ. નાગરિકોના આરોગ્ય અને સુરક્ષાને સર્વોપરી રાખીને ગોત્રી હોસ્પિટલ દ્વારા તહેવારોના દિવસોમાં પણ દર્દીઓની શ્રેષ્ઠ સારવાર માટે 24 કલાક (24/7) ઇમરજન્સી સેવાઓ અને ખાસ તબીબી નિષ્ણાતોની ટીમ હંમેશાં ખડેપગે અને ઉપલબ્ધ રાખવામાં આવી છે, જેથી કોઈપણ કટોકટીના સમયે ત્વરિત સારવાર મળી રહે.
Read full article on Divya Bhaskar