top
ધંધમા ખોટું નુકસાન બતાવી નિવૃત્ત વૃદ્ધ પાસેથી 25 લાખ પડાવ્યા:રૂ. 3 કરોડ લેવાના નીકળે છે કહી જાનથી મારી નાખવાની ધમકી આપી, 6 શખસો સામે ગુનો
પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ગણેશપુરા ગામના એક નિવૃત્ત વૃદ્ધ પાસેથી રૂ. 25 લાખની ખંડણી પડાવવા અને રૂ. 3 કરોડની માંગણી કરવા બદલ 6 શખસો સામે સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓએ વૃદ્ધને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ફરિયાદી રમેશભાઈ ઈશ્વરભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ, આ મામલો 2019માં તેમના પુત્ર કરણ અને કુટુંબી અંકિત અમરતભાઈ પટેલ (રહે. અમદાવાદ, મૂળ પાટણ) વચ્ચે હળદર અને કિસમિસના હોલસેલ ધંધાની વાતચીતથી શરૂ થયો હતો. અંકિત પટેલે 2022માં ધંધામાં ખોટું નુકસાન બતાવી કરણને છૂટો કર્યો અને નુકસાની પેટે રૂ. 3 કરોડ લેવાના નીકળે છે તેમ કહી ઉઘરાણી શરૂ કરી હતી. જમીનનો દસ્તાવેજ કરી આપવા છતાં અંકિત પટેલ અને તેના સાગરીતોએ ઉઘરાણી ચાલુ રાખી હતી. ત્યારબાદ અંકિત પટેલે અન્ય શખસોને આ કામ સોંપી ફરિયાદી અને તેમના પરિવારજનોને વારંવાર રોકીને, ફોન તથા વોટ્સએપ કોલ દ્વારા ધમકીઓ આપવાનું શરૂ કર્યું. ફરિયાદી અને તેમનો પુત્ર વિદેશ ગયા ત્યારે પણ તેમને એરપોર્ટ પરથી ઉપાડી જઈ જાનથી મારી નાખવાની ધમકીઓ અપાઈ હતી. આ ત્રાસમાંથી મુક્તિ મેળવવા ફરિયાદીના સગા-સંબંધીઓએ ભેગા મળી રૂ. 25 લાખની વ્યવસ્થા કરી. 10 ફેબ્રુઆરી, 2026ના રોજ આરોપીઓએ મરતોલી ચેહર માતાજીના મંદિર પાછળ રૂ. 25 લાખ રોકડા મેળવ્યા અને તેની પહોંચ પણ લખી આપી. આમ છતાં, આરોપીઓએ બાકીની રકમ માટે ધમકીઓ આપવાનું ચાલુ રાખ્યું. 25 જૂન, 2026ના રોજ આરોપીઓ ફોર્ચ્યુનર અને સ્કોર્પિયો ગાડી લઈને ફરિયાદીના ઘરે પહોંચ્યા. તેમણે ગાળો આપી અને 11 જુલાઈ, 2026 સુધીમાં બાકીના રૂ. 3 કરોડ ચૂકવી દેવા ધમકી આપી હતી. આ મામલે પોલીસે રાજુભા બનેસંગ ઝાલા (રહે. સુણસર, તા. ચાણસ્મા), ઉપેન્દ્રસિંહ (રહે. કટોસણ, તા. જોટાણા), મનુભા બી. ઝાલા (રહે. સુણસર, તા. ચાણસ્મા), નિકુલસિંહ એલ. ઝાલા (રહે. સદુથલા, તા. બેચરાજી), કાનભા ઉર્ફે કનકસિંહ (રહે. કટોસણ, તા. જોટાણા) અને અંકિતભાઈ અમરતભાઈ પટેલ (રહે. અમદાવાદ) સહિત 6 શખસો સામે ગુનાહિત કાવતરું રચી ખંડણી માંગવા અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar