crime
કાર્યવાહી:પ્રાંતિજ પંથકમાંથી 2.57 લાખના દારૂ સાથે વૃદ્ધા સહિત 3 ઝડપાયા
સાબરકાંઠા એલસીબી પીઆઈ ડી.સી. સાકરીયા અને પીએસઆઈ એસ.જે. ચાવડાની ટીમે પ્રાંતિજ પંથકમાં દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું હતું. રાજસ્થાનથી ખોટી નંબર પ્લેટ લગાવી કારમાં અમદાવાદ તરફ દારૂ લઈ જવાતો હોવાની બાતમી મળતાં પીછો કરી મહિલા સહિત 3 બુટલેગરોને દબોચી લીધા હતા. કતપુર ટોલનાકા પાસે એલસીબીને બાતમી મળી હતી કે ગાંભોઈ તરફથી કાર નં. GJ-27-DH-6606માં દારૂ ભરીને 2 શખ્સો તથા 1 મહિલા અમદાવાદ તરફ જઈ રહ્યા છે. પોલીસે હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઇવે પર વડવાસા પાટિયા પાસે નાકાબંધી કરી કારને રોકવાનો ઇશારો કર્યો હતો. જોકે, ચાલકે કાર ઊભી રાખવાને બદલે સર્વિસ રોડ અને સીતવાડા ઓવરબ્રિજ નીચેથી ઓરણના રસ્તે ભગાવી મૂકી હતી. પોલીસે પીછો કરતાં ઓરણ નજીક કારનું આગળનું ટાયર ફાટી જતાં કાર ઝાડ સાથે અથડાઈ ગઈ હતી. આ દરમિયાન ભાગવાનો પ્રયાસ કરતાં ત્રણેયને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે કારમાંથી દારૂ તથા બિયરના કુલ 491 બોટલ/ટીન કિં.₹2,57,547, ₹15,000 ના 3 મોબાઈલ 2 નંબર પ્લેટ તથા ₹5 લાખની કાર મળી કુલ ₹7,72,547 નો મુદ્દામાલ જપ્ત કરી તુલસીબેન દિનેશભાઈ ઠાકોર (60, રહે. નરોડા, અમદાવાદ), અનમોલસીંગ રણધીરસીંગ ચૌહાણ (31, રહે. ખેરવાડા, જિ. ઉદયપુર) મહેન્દ્ર શંકરલાલજી ટેલર (દરજી) (35, રહે. ઉદયપુર)ની અટકાયત કરી વોન્ટેડ તારાચંદ કાનસીંગ મીણા (રહે. બદલા, ખેરવાડા), સુરેશભાઈ (અમદાવાદ તેલિયા વાસણા ગામે માલ લેવા આવનાર) મળી કુલ 5 વિરુદ્ધ પ્રાંતિજ પોલીસમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. વૃદ્ધા સામે અગાઉ 9 દારૂના ગુના નોંધાયા છે ઝડપાયેલી 60 વર્ષીય વૃદ્ધા તુલસીબેન ઠાકોર રીઢા ગુનેગાર હોવાનું સામે આવ્યું છે. તેની સામે અમદાવાદ શહેરના નરોડા પોલીસ સ્ટેશનમાં 6, સાણંદમાં 1, ધનસુરામાં 1 તેમજ ગાંધીનગરના રખિયાલ પોલીસ સ્ટેશનમાં 1 મળી પ્રોહિબિશન એક્ટ હેઠળ કુલ 9 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે.
Read full article on Divya Bhaskar