crime
સુરતમાં બધાને મારી નાખીશ કહી યુવકની તોડફોડ અને પથ્થરમારો:ટ્વીન બિઝનેસ બિલ્ડિંગમાં બીજા માળે ચડી હોબાળો, 3 ઈજાગ્રસ્ત, ફાયર બ્રિગેડે પાછળથી ઘેરીને દબોચ્યો
સુરતના કઠોદરા વિસ્તારમાં આવેલા ટ્વીન બિઝનેસ બિલ્ડિંગમાં મોડી રાત્રે ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. એક 35 વર્ષીય માનસિક તકલીફ ધરાવતો યુવક બિલ્ડિંગના બીજા માળે દુકાન પાસેની ગેલેરીમાં ચડી ગયો હતો. ત્યાં પહોંચીને તેણે અચાનક ઉશ્કેરાઈ જઈ લિફ્ટના કાચ તેમજ વિવિધ દુકાનોના બેનરોમાં તોડફોડ શરૂ કરી દીધી હતી. યુવકના આ રૌદ્ર સ્વરૂપને કારણે બિઝનેસ સેન્ટરમાં ઉપસ્થિત લોકોમાં દોડધામ મચી ગઈ હતી. "બધાને મારી નાખીશ" કહી ટાઈલ્સના ટુકડા કરી હુમલો કર્યો તોડફોડ મચાવી રહેલા યુવકે માત્ર બિલ્ડિંગની મિલકતને નુકસાન પહોંચાડ્યું ન હતું, પરંતુ ત્યાં જમીન પર લાગેલી ટાઈલ્સ પણ તોડી નાખી હતી. ટાઈલ્સના તીક્ષ્ણ ટુકડાઓ બનાવીને તેણે ત્યાં હાજર લોકો તરફ ફેંકવાનું અને મારવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન યુવક "બધાને મારી નાખીશ" એવી બૂમો પાડીને લોકોને ડરાવી રહ્યો હતો. તેના દ્વારા કરવામાં આવેલા પથ્થરમારા અને ટાઈલ્સના ઘાને કારણે ત્યાં હાજર ત્રણ વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. પોલીસ પહોંચી છતાં હોબાળો ચાલુ રહ્યો ઘટના અંગે સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી, પરંતુ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હોવા છતાં યુવક સતત ધમાલ મચાવી રહ્યો હોવાથી સ્થિતિ વણસી ગઈ હતી. મામલો બેકાબૂ બનતાં આખરે ફાયર બ્રિગેડને કૉલ કરીને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે યુવક અત્યંત આક્રમક મૂડમાં હતો અને કોઈને નજીક આવવા દેતો નહોતો. ફાયરે પાછળના દાદરથી ગુપ્ત ઓપરેશન પાર પાડી યુવકને દબોચ્યો પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ફાયર ઓફિસર અને ટીમે ચતુરાઈપૂર્વક વ્યૂહરચના બનાવી હતી. કેટલાક સ્થાનિકોએ યુવકને વાતોમાં પરોવી રાખી તેનું ધ્યાન ભટકાવ્યું હતું. આ દરમિયાન ફાયરના જવાનો બિલ્ડિંગના પાછળના ભાગે આવેલા દાદર પરથી છાનામાના બીજા માળે પહોંચ્યા હતા. જવાનોએ ધીરે-ધીરે નજીક પહોંચી અચાનક જ યુવકને ચારેય તરફથી ઘેરીને દબોચી લીધો હતો. બાદમાં તેને પોલીસને હવાલે કરવામાં આવતાં સ્થાનિકો અને વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
Read full article on Divya Bhaskar