top
વલસાડમાં વિશ્વ નાળિયેરી દિવસની ઉજવણી:આંબા-ચીકુની સાથે નાળિયેરીની ખેતી કરવા ખેડૂતોને અનુરોધ, રાજ્યમાં નાળિયેરીનું વાવેતર 30 હજારથી વધારી 50 હજાર હેક્ટર કરવાનું લક્ષ્ય
વિશ્વ નાળિયેરી દિવસ નિમિત્તે વલસાડ તાલુકાના ચણવઈ ગામે આવેલા સેન્ટર ઓફ એક્સલેન્સ ફોર ફ્લોરીકલ્ચર એન્ડ મેંગો ખાતે એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. બાગાયત વિભાગ, નાળિયેર વિકાસ બોર્ડ જૂનાગઢ, અખિલ ભારતીય સમન્વિત સંશોધન યોજના, અસ્પી બાગાયત મહાવિદ્યાલય અને નવસારી કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. ગુજરાતમાં નાળિયેરીનું વાવેતર 50 હજાર હેક્ટર કરવાનો લક્ષ્યાંક નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. આર.એમ. નાયકે જણાવ્યું હતું કે અગાઉ ખેતરની હદ નક્કી કરવા માટે નાળિયેરીના વૃક્ષો વાવવામાં આવતા હતા. જોકે, સમય જતાં રાજ્યમાં નાળિયેરીની ખેતીનું મહત્વ વધ્યું છે અને હાલમાં ગુજરાતમાં નાળિયેરીનું વાવેતર 30 હજાર હેક્ટર સુધી પહોંચી ગયું છે. આગામી સમયમાં આ વિસ્તાર વધારીને 50 હજાર હેક્ટર સુધી લઈ જવાનો લક્ષ્યાંક છે. નાળિયેરમાંથી વેલ્યુ એડેડ પ્રોડક્ટ્સની તકો ડો.નાયકે જણાવ્યું હતું કે નાળિયેર માનવજીવનના જન્મથી લઈને મરણ સુધી ઉપયોગી થતું ફળ છે. નાળિયેરમાંથી સોફ્ટ ડ્રિંક સહિત વિવિધ પ્રકારની વેલ્યુ એડેડ પ્રોડક્ટ્સ તૈયાર કરવાની સાથે તેના વ્યવસાયની નવી તકો પણ ઊભી થઈ રહી છે. આથી ખેડૂતો માટે નાળિયેરીની ખેતી આવકનું મહત્વનું માધ્યમ બની શકે છે. આંબા-ચીકુ સાથે નાળિયેરીની ખેતી કરવા અનુરોધ ખેડૂતોને આંબા અને ચીકુની સાથે નાળિયેરીનું વાવેતર કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. નાળિયેરીનું આયુષ્ય લાંબું હોવાથી તે લાંબા સમય સુધી ઉત્પાદન આપતું પાક છે અને પેઢી દર પેઢી આવકનું માધ્યમ બની શકે છે. વલસાડના ખેડૂતો માટે આંબા-ચીકુની સાથે નાળિયેરીનું વાવેતર વધારવાથી ખેતીમાં વૈવિધ્ય અને આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે. હાફૂસ કેરીને GI ટેગ અપાવવા પ્રયાસો ચાલુ આ પ્રસંગે વલસાડની પ્રસિદ્ધ હાફૂસ કેરીને GI ટેગ અપાવવા માટે પ્રયત્નો ચાલુ હોવાનું પણ ડો. આર.એમ. નાયકે જણાવ્યું હતું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે હાફૂસ કેરીને GI ટેગ મળે તે માટેના પ્રયાસો સતત ચાલુ રહેશે અને “હાફૂસને GI ટેગ મેળવીને જ જંપીશું” એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વલસાડમાં 3,294 હેક્ટરમાં નાળિયેરીનું વાવેતર જિલ્લા નાયબ બાગાયત નિયામક એન.એન. પટેલે જણાવ્યું હતું કે વલસાડ જિલ્લામાં હાલ 3,294 હેક્ટર વિસ્તારમાં નાળિયેરીનું વાવેતર કરવામાં આવ્યું છે. જ્યારે નવા વાવેતરનો વિસ્તાર હાલ આશરે 500 હેક્ટર છે. આગામી સમયમાં નવા વાવેતરનો વિસ્તાર વધારીને 5,000 હેક્ટર સુધી લઈ જવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આધુનિક ખેતી અને સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન ખેડૂત તાલીમ કાર્યક્રમ દરમિયાન નિષ્ણાતોએ નાળિયેરીની આધુનિક ખેતી પદ્ધતિ, ઉત્પાદન વધારવાની રીતો, સરકારી યોજનાઓ તેમજ નાળિયેર આધારિત વેલ્યુ એડિશન અંગે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતોને નાળિયેરીની ખેતી તરફ પ્રોત્સાહિત કરી તેની સાથે જોડાયેલી આવકની નવી તકો અંગે માહિતગાર કરવાનો રહ્યો હતો.
Read full article on Divya Bhaskar