top
અમરેલીમાં નેશનલ હાઈવે પરથી દબાણ હટાવાયા:દેરડી-લાઠી વચ્ચે 30 ગેરકાયદે દબાણ દૂર કરાયા, વાહનવ્યવહારને ચડચણરૂપ હતા
અમરેલી જિલ્લામાં નેશનલ હાઈવે પરથી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI), PIU-રાજકોટ દ્વારા રસ્તાનો ઉપયોગ કરતા લોકોની સલામતી અને સરળ અવરજવર માટે આ પગલું લેવાયું છે. આ કામગીરી હેઠળ દેરડીથી લાઠી વચ્ચેના નેશનલ હાઈવેના Right of Way (ROW) વિસ્તારમાંથી આશરે 30 જેટલા ગેરકાયદે દબાણ દૂર કરાયા હતા. આ કાર્યવાહી અમરેલી જિલ્લા વહીવટી તંત્રના સહયોગ અને પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવી હતી, જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે. નેશનલ હાઈવેની ROWમાં થયેલા દબાણને કારણે વાહનવ્યવહારમાં અડચણ ઊભી થાય છે. આ ઉપરાંત, રસ્તાનો ઉપયોગ કરતા વાહનચાલકો અને અન્ય લોકોની સલામતી પર પણ ખરાબ અસર પડે છે. માર્ગ સલામતીને સૌથી વધુ મહત્વ આપીને NHAI આવા ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી સતત ચાલુ રાખશે. NHAI એ નેશનલ હાઈવેની ROWમાં ગેરકાયદે દબાણ કરનારા તમામ લોકોને અપીલ કરી છે. તેમને જાહેર હિત અને માર્ગ સલામતીને ધ્યાનમાં રાખીને પોતાના દબાણ જાતે જ તાત્કાલિક દૂર કરવા જણાવ્યું છે. આનાથી નેશનલ હાઈવે પર વાહનવ્યવહાર સલામત, સરળ અને અવરોધ વગરનો રહી શકશે. NHAI જાહેર હિત અને માર્ગ સલામતીને પ્રાથમિકતા આપીને નેશનલ હાઈવેની ROWને દબાણમુક્ત રાખવા માટે આવી કામગીરી નિયમિતપણે ચાલુ રાખશે.
Read full article on Divya Bhaskar