top
ગોંડલ - હિરાસર ગ્રીનફીલ્ડ સિક્સલેનનો વિવાદ વધ્યો:રાજકોટના મઘરવાડા, ગઢકા ગામના 320 ગ્રામજનોની ફળદ્રુપ 400 વિઘા જમીન કપાત સામે વિરોધ, કલેક્ટરને રજૂઆત કરાઈ
રાજકોટના ગોંડલથી હિરાસર સુધીના ગ્રીનફીલ્ડ સિક્સલેનનો વિવાદ હવે વધ્યો છે. અગાઉ અણિયારા બાદ આજે 27 ઓગસ્ટના મઘરવાડા અને ગઢકા ગામના ગ્રામજનો કલેકટર કચેરીએ પહોંચ્યા હતા અને 300 થી વધુ ખેડૂતોની 400 વિઘાથી વધુ જમીન કપાતમાં આવતી હોવાથી વિરોધ કરવામાં આવ્યો હતો અને કલેક્ટર મારફત સરકાર સમક્ષ સરકારી ખરાબામાંની જમીન પર સિક્સલેન બનાવવામાં આવે અથવા જો જમીન ફરજિયાત કપાય તેમ હોય તો માર્કેટ રેટ કમિટીની રચના કરી તેમાં નક્કી થયા મૂજબ ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. રાજકોટના મઘરવાડા ગામડા ખેડૂત લાલજીભાઈ ટોપીયાએ જણાવ્યું હતું કે, રામપર બેટી ગામથી ભરૂડી ટોલનાકા સુધી સિકસલેન હાઇવે નિકળે છે જેમાં આ ગામના 50 થી વધુ ખેડૂતોની જમીનો કપાતમાં જાય છે. કપાતમાં જતી બધી જ જમીન ફળદ્રુપ છે. જેથી અમારી મુખ્ય રજૂઆત એ છે કે ખેતીને બદલે સરકારી ખરાબાની જમીનમાંથી હાઈવે બનાવવામાં આવે તો ખેડૂતોને ખૂબ જ ઓછું નુકસાન થાય તેમ છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, મોટાભાગના ખેડૂતો નાના અને સીમાંત છે. અહીં મોટાભાગના ખેડૂતો માટે ખેતી એ આજીવિકાનું સાધન છે અને જમીન કપાતથી ખેડૂતોની જમીનો બે ટૂકડામાં વેંચાઈ જાય તેમ છે. જેથી જમીન કપાત બાદ પણ જે જમીન વધે છે તેમાં ખેતીલાયક જમીન રહેતી નથી. જેથી જો એલાઈમેન્ટમાં ફેરફાર કરવામાં આવે તો ખેડૂતોની જમીન બચી જાય અને સરકારને પણ ઓછું વળતર ચૂકવવું પડે. જો એલાઈમેન્ટમાં ચેન્જ કરવામાં ન આવે તો ખેડૂતોને હાલના બજાર ભાવ પ્રમાણે યોગ્ય વળતર આપવામાં આવે. જેથી ખેડૂત અન્ય જગ્યાએ જમીન ખરીદી શકે. આ ગામમાંથી અંદાજે 170 વિઘા જમીન કપાય છે. જો સરકાર આ બાબતે કોઈ નિર્ણય લઈ લેતો અમારે નછૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડશે. જ્યારે ગઢકા ગામના અમિતભાઈ બારસિયાએ જણાવ્યું હતું કે, અમારી રજૂઆત સૌપ્રથમ તો એવી છે કે સરકાર દ્વારા તપાસ કરવામાં આવે કે આ હાઈવેની જરૂરિયાત છે કે કેમ ? કારણકે બાજુમાં જ રૂડા દ્વારા નવો 300 મીટરનો રીંગ રોડ બનાવવામાં આવ્યો છે અને જો હાઈવે બનાવવાની જરૂરિયાત હોય તો સરકારના સૌના સાથે અને સૌના વિકાસના સૂત્રને સાર્થક કરતા ખેડૂતોનો વિકાસ થાય તે જરૂરી છે. અમારી માંગણી છે કે માર્કેટ રેટ કમિટીની રચના કરવામાં આવે અને તેમના દ્વારા જે ભલામણ દરો જાહેર કરવામાં આવે તે મૂજબ વળતર આપવામાં આવે. અહીં 270 ખેડૂતો છે અને તેમની 230 વિઘા જેટલી જમીન છે. જેથી સરકાર દ્વારા રિ સર્વે કરાવવામાં આવે અને સિક્સ લેન માટે સરકારી ખરાબાની જમીનનો ઉપયોગ કરવામાં આવે તેવી અમારી માંગણી છે.
Read full article on Divya Bhaskar