top
અમદાવાદમાં હવે ગમે ત્યારે ભુવા પડવાની સ્થિતિ બંધ થશે!:3200 કરોડના 25થી 50 વર્ષ જૂની 69 ડ્રેનેજ-ટ્રંક લાઇનોનું રિહેબિલિટેશન
અમદાવાદમાં રોડ નીચે 25થી 50 વર્ષ જૂની ડ્રેનેજ લાઈનો આવેલી છે. ડ્રેનેજ અને મુખ્ય ટ્રંક લાઇનો કાટ ખાઈ ગયેલી અને ખવાઈ જવાના કારણે ખરાબ થતી હોવાથી તૂટી જાય છે અને ગમે ત્યારે રોડ પર ભુવો પડતો હોય છે, ત્યારે લાઇનોને તબક્કાવાર રિહેબિલિટેશન કરીને ફરી કાર્યક્ષમ બનાવવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુલ 69 લાઇનોના 196.23 કિ.મી. એટલે કે 1,96,235 મીટર નેટવર્કના રિહેબિલિટેશન માટે અંદાજે 3,200 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. જૂની લાઇનોને સંપૂર્ણપણે નવી નાખવાને બદલે આધુનિક ટેક્નોલોજીથી રિહેબ કરવાથી તેમની સર્વિસ લાઇફ વધશે તેમજ પાણી ભરાવા અને ભૂવા પડવાની સમસ્યામાં ઘટાડો થવાનો દાવો કરાયો છે. 42 લાઇનનું કામ પૂર્ણ અને 11નું કામ હાલમાં ચાલુ શહેરના અનેક વિસ્તારોમાં વર્ષો જૂની ડ્રેનેજ અને ટ્રંક લાઇનો ખૂબ જૂની થઈ ગઈ છે અને રોડ પર ગમે ત્યારે ભુવા પડતા હોય છે. ખાસ કરીને જૂના અને ગીચ વિસ્તારોમાં નવી ડ્રેનેજ લાઇન નાખવા માટે રસ્તા ખોદવા સહિતની અનેક મુશ્કેલીઓ ઊભી થાય છે. જેથી હયાત લાઇનોને જ આધુનિક પદ્ધતિથી રિહેબિલિટેશન કરવામાં આવી રહ્યું છે. કુલ 69 લાઇનો પૈકી 42 લાઇનોનું કામ પૂર્ણ થઈ ગયું છે. આ કામ પાછળ અત્યાર સુધીમાં આશરે 950 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે અને આશરે 85.89 કિ.મી. લાઇનનું રિહેબિલિટેશન પૂર્ણ કરવામાં આવ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં 11 લાઇનોના રિહેબિલિટેશનનું કામ ચાલી રહ્યું છે. આ કામગીરી માટે અંદાજે 440 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે અને કુલ 34.90 કિ.મી. લાઇનને રિહેબ કરવામાં આવશે. આ વિસ્તારોમાં રિહેબિલિટેશનની કામગીરી ચાલુ કામોમાં અસારવા વોર્ડની વિવિધ ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર લાઇનો રાણીપ મગનપુરા સર્કલથી રામજી મંદિર, ભક્તિનગર ન્યૂ વિદ્યાવિહાર સોસાયટીથી જોગર્સ પાર્ક-રાધાસ્વામી રોડ, અંધજન મંડળ ચાર રસ્તાથી હેલ્મેટ ચાર રસ્તા તથા AEC બ્રિજથી પલ્લવ ચાર રસ્તા સુધીની ડ્રેનેજ લાઇનોનો સમાવેશ થાય છે. સેટેલાઈટના સૈનિક પેટ્રોલ પંપથી શિવરંજની ચાર રસ્તા અને અંધજન મંડળ ચાર રસ્તા સુધી, મકરબા ટોરેન્ટ પાવર સબસ્ટેશનથી સદભાવના સર્કલ અને એમ્બર ટાવર સુધી તેમજ નિરાંત ચાર રસ્તાથી એક્સપ્રેસ હાઇવે જંક્શન સુધીના વિસ્તારોમાં પણ રિહેબિલિટેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. દાણીલીમડા ચાર રસ્તાથી ચંડોળા તળાવ, ખોખરા ચાર રસ્તાથી હાટકેશ્વર સર્કલ, રાજેશ્વરી કોલોનીથી ગોવિંદવાડી-ઇસનપુર બ્રિજ, એપેરલ પાર્ક મેટ્રો સ્ટેશનથી લોકમાન કુંભારની ચાલી અને સિલ્વર ફ્લેટ તેમજ ભાઈપુરા વોર્ડ ઓફિસ ચોકડીથી ધીરજ હાઉસિંગ-મોડલ રોડ તરફની લાઇનો પણ આ કામગીરીમાં સામેલ છે. નિકોલ ચાર રસ્તાથી પાલ્મ હોટલ થઈ ઓઢવ અને તપસ્વી આઇકોનથી હાટકેશ્વર સર્કલ સુધીની સીવર ટ્રંક લાઇનનું પણ રિહેબિલિટેશન થઈ રહ્યું છે. કુલ 75.43 કિ.મી. લાઇનનું રિહેબિલિટેશન કરાશે ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 26 લાઇનો રિહેબિલિટેશન માટે લેવામાં આવી છે. આ ઝોનમાં રત્ના પાર્કથી કર્મચારીનગર ડિવિઝન-2, કર્મચારી સ્કૂલથી કર્મચારીનગર C-ટાઇપ તથા ચાણક્યપુરી બ્રિજથી કારગિલ ચાર રસ્તા સુધીની લાઇનોના કામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સોલા બ્રિજથી ભૂયંગદેવ ચાર રસ્તા અને એઈસી ચાર રસ્તા સુધીની ડ્રેનેજ પાઇપલાઇનનું રિહેબિલિટેશન પણ કરવામાં આવી રહ્યું છે. પલ્લવ ચાર રસ્તાથી ચાણક્યપુરી બ્રિજ સુધીની ડ્રેનેજ લાઇનોનું જીઆરપી પદ્ધતિથી રિહેબિલિટેશન હાથ ધરાયું છે. આગામી તબક્કામાં 16 મોટી લાઇનોનું રિહેબિલિટેશન હાથ ધરવાનું આયોજન છે. આ માટે અંદાજે 1,800થી 1,850 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે. આ તબક્કામાં કુલ 75.43 કિ.મી. લાઇનનું રિહેબિલિટેશન કરવામાં આવશે.
Read full article on Divya Bhaskar