crime
આગની દુર્ઘટનાને પહોંચી વળવા ફાયર વિભાગનો એક્શન પ્લાન:4 ટીમ ખડેપગે, સ્ટાફની રજાઓ રદ
દિવાળીના તહેવાર દરમિયાન લોકો ઉત્સાહભેર ફટાકડા ફોડતા હોય છે, પરંતુ આ આનંદના માહોલમાં શોર્ટ સર્કિટ કે ફટાકડાના કારણે આગ લાગવાની અકસ્માત ઘટનાઓ સામે આવતી હોય છે. નાગરિકોની સુરક્ષા અને સલામતી અબાધિત રહે તે માટે પોરબંદર ફાયર વિભાગ દ્વારા વિશેષ આગોતરી તૈયારીઓ કરી લેવામાં આવી છે. તહેવારની રજાઓમાં પણ લોકોની સુરક્ષાને સર્વોપરી ગણી ફાયર બ્રિગેડના સ્ટાફની રજાઓ કેન્સલ કરવામાં આવી છે. સ્ટેશન ફાયર ઓફિસર અભય મહેતાના જણાવ્યા અનુસાર, દિવાળીના તહેવાર નિમિત્તે પોરબંદરમાં ફાયર બ્રિગેડની 4 વિશેષ ટીમ ખડેપગે તૈનાત રહેશે. દિવાળીના મુખ્ય દિવસે આ ટીમ રાઉન્ડ ધ ક્લોક (24 કલાક) ફરજ બજાવશે, જ્યારે અન્ય દિવસોમાં શિફ્ટવાઈઝ કામગીરી કરવામાં આવશે. આ ઉપરાંત, શહેરમાં ફટાકડાના વેચાણ માટે લાગેલા સ્ટોલ પાસે પણ સાવચેતીના ભાગરૂપે ફાયર ટીમ ખાસ તૈનાત રાખવામાં આવશે, જેથી તાત્કાલિક ધોરણે સ્થિતિ પર કાબૂ મેળવી શકાય. સુરક્ષા માટે 2 મોટા ફાયર બાઉઝર અને 2 મિની ફાયર ફાઇટર વાહનો સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. પાણીના ટેન્કરો પણ સ્ટેન્ડબાય મોડ પર રાખવામાં આવ્યા છે. કટોકટીના સમયે તાત્કાલિક સંપર્ક કરો ફાયર કંટ્રોલ રૂમ ખાતે કર્મચારીઓ રાઉન્ડ ધ ક્લોક ફરજ પર હાજર રહેશે અને શહેરના કોઈપણ ખૂણેથી આવતા કોલ પર ત્વરિત કાર્યવાહી કરશે. આગ કે અકસ્માતની કોઈ ઘટના બને તો નાગરિકો 101 અથવા 0286-2249850 અથવા મો. 6358318790 પર સંપર્ક કરી શકે છે.
Read full article on Divya Bhaskar