business
બટાકા પકવતા ખેડૂતોએ 4 મુખ્ય માંગણીઓ સાથે ઉગ્ર રજૂઆત કરી:મોડાસાના આનંદપુરાકંપામાં 400 ખેડૂતો એકઠા થયા,કોન્ટ્રાક્ટ ફાર્મિંગના પ્રશ્નો પર ચર્ચા
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના આનંદપુરા કંપા ખાતે આજે બટાકા પકવતા ખેડૂતોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.આબેઠકમાંઅરવલ્લી અને આસપાસનામાલપુર, બાયડ, શામળાજી,મેઘરજ,હિંમતનગર રોડના આશરે ૫૦૦જેટલા ખેડૂતોહાજરરહ્યા હતા. બેઠકમાં બટાકાના કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સાથે જોડાયેલા ખેડૂતોના વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓ પર લાંબી ચર્ચા થઈ હતી. ખેડૂતોનું કહેવું છે કે ડીઝલ, ખાતર અને દવા જેવા ખેતી ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે, જ્યારે તેમને મળતા ભાવમાં પૂરતો વધારો થતો નથી. વધતા ઉત્પાદન ખર્ચ સામે યોગ્ય વળતર ન મળવાનો પ્રશ્ન હજુ પણ યથાવત છે. આ બેઠકમાં ખેડૂતો દ્વારા પોતાની ચાર મુખ્ય અને કડક માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. વજનમાં ગેરકાયદેસર કપાત બંધ કરો ખેડૂતોએ સવાલ ઉઠાવ્યો હતો કે ૧૦૦ કિલોએ ૧ કિલોથી લઈને ૧ કિલો ૬૭૦ ગ્રામ સુધીની ગેરકાયદેસર કપાત કયા નિયમ હેઠળ કરવામાં આવે છે. તેમની માંગ છે કે પૂરેપૂરા વજનના પૂરેપૂરા પૈસા તાત્કાલિક ચૂકવવામાં આવે. લોડિંગ ચાર્જ કંપની ભોગવે ખેડૂતોએ પૂછ્યું કે જો ખરીદી કંપનીની હોય, તો ગાડીમાં માલ ભરવાની મજૂરી ખેડૂતોના માથે કેમ નાખવામાં આવે છે. તેમની માંગ છે કે લોડિંગનો તમામ ખર્ચ કંપનીએ ભોગવવો જોઈએ. બ્રાઉન સ્પોટના નામે કપાત બંધ કરો ખેડૂતોની માંગ છે કે હવામાન અને જમીનને કારણે થતી કુદરતી અસરનું બહાનું કાઢીને કપાત કરવાની અન્યાયી નીતિ બંધ કરવામાં આવે. મોંઘવારી મુજબ કરારના ભાવ વધારો ડીઝલ, ખાતર અને દવાના ખર્ચમાં સતત વધારો થયો છે. તેથી જૂના ભાવે પાક લેવાનું બંધ કરી પોષણક્ષમ ભાવ આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. ખેડૂતોનું કહેવું છે કે જમીન, મહેનત અને ઉત્પાદનનો ખર્ચ તેઓ કરે છે. તેથી તેમના હિતને નુકસાન થાય તેવી કોઈ પણ કપાત કે અન્યાયી શરતો સ્વીકારવામાં આવશે નહીં. બેઠકમાં ખેડૂતોએ આગામી દિવસોમાં પણ સંગઠિત રીતે આ મુદ્દાઓને ઉઠાવવાનો નિર્ણય કર્યો હતો. જો તેમની માંગણીઓનો યોગ્ય ઉકેલ નહીં આવે, તો આગામી સમયમાં કરાર આધારિત બટાકાના પાકનું વાવેતર બંધ કરવાનો સામૂહિક નિર્ણય પણ લેવાયો હતો. આ ઉપરાંત, આગામી ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ બપોરે ૧૨ વાગ્યે હિંમતનગર APMC માર્કેટયાર્ડ ખાતે બટાકા પકવતા ખેડૂતોનું જાગૃતિ મહા સંમેલન યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં મોટી સંખ્યામાં બટાકા પકવતા ખેડૂતો જોડાય અને પોતાની માંગણીઓને મજબૂત બનાવે તે માટે અપીલ કરવામાં આવી છે. જય જવાન, જય કિસાન, જય બલરામ અને ખેડૂત એકતા ઝિંદાબાદના નારા સાથે ખેડૂતો દ્વારા પોતાની માંગણીઓ માટે એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
Read full article on Divya Bhaskar