environment
ગુજરાતના દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં રાહત પેકેજ:પ્રદેશ ભાજપના મહામંત્રીએ કહ્યું - કોંગ્રેસના કાર્યકાળમાં ખેડૂતો પર ગોળીઓ વરસી, PM મોદીએ નર્મદા યોજના માટે ઉપવાસ કર્યા હતા
ગુજરાત સરકાર દ્વારા "જ્યાં કમ, વહા હમ" ના સૂત્રને ચરિતાર્થ કરતા ગુજરાતના 4 જિલ્લાઓમાં ઓછા વરસાદના કારણે દુષ્કાળ જાહેર કરવામાં આવ્યો છે. ભાજપના પ્રદેશ મહામંત્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છ જિલ્લામાં અછત જાહેર કરવામાં આવી છે. આ ચારેય જિલ્લાઓમાં ખેડૂતો અને પશુઓ માટે રાહત દરે ઘાસચારો તેમજ આગામી દિવસોમાં જરૂરિયાત મુજબની તમામ વ્યવસ્થાઓ સરકાર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવશે. આ સાથે જ કોંગ્રેસ પર પ્રહારો કરતા જણાવ્યું કે ભૂતકાળમાં ખેડૂતો પર ગોળીઓ વરસાવતી કોંગ્રેસ કયા મોઢે ખેડૂતો સાથે હોવાની વાત કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે સરદાર સરોવર ડેમ પર દરવાજા માટે ત્રણ દિવસના ઉપવાસ કર્યા હતા. જેથી હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટમાં આવતીકાલે 27 મી ઓક્ટોબરના લોકતંત્ર બચાવોની ભવ્ય રેલી નીકળશે. તેમણે જણાવ્યું હતું કે, વિરોધ પક્ષોની આ અરાજકતાવાળી માનસિકતા અને 'રિજીમ ચેન્જ' (તખ્તાપલટ) ના પ્રયાસો સામે લોકતંત્રને બચાવવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા આવતીકાલે સાંજે 4 વાગ્યે રાજકોટ ખાતે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી બહુમાળી ભવન (સરદાર સાહેબ પટેલના સ્ટેચ્યુ પાસેથી)થી શરૂ થઈ યાજ્ઞિક રોડ પરથી પસાર થઈને સ્વામી વિવેકાનંદજીના સ્ટેચ્યુ સુધી જશે. જેમાં સૌરાષ્ટ્ર ઝોનના 11 જિલ્લાઓ અને 4 મહાનગરપાલિકાઓમાંથી ભાજપના પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાશે. આ રેલીમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, પ્રભારી અને સહપ્રભારી સહિતના અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ પક્ષને કોઈપણ મુદ્દે માત્ર વાતો કરવાની આદત પડી ગઈ છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી જહાં કમ વહા હમની નીતિ સાથે જરૂરિયાત મુજબ હંમેશા કિસાનની સાથે ઉભી રહી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે કોંગ્રેસના લોકો કિસાનોના દર્દને સમજી શકતા નહોતા અને નર્મદાનું પાણી ઉપલબ્ધ કરાવવા માટે તેમણે કોઈ કામ નહોતું કર્યું. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદા યોજના માટે ત્રણ દિવસના ઉપવાસ કરવા પડ્યા હતા અને કોંગ્રેસ સરકાર પાસે દરવાજા લગાડવાની મંજૂરી માંગવી પડી હતી. કોંગ્રેસના શાસનકાળમાં કિસાનના હિતની વાતો મોઢે શોભતી નથી. કારણકે તેમના શાસનમાં તો કિસાનો પર ગોળીબાર થયાના દાખલાઓ છે. તેમણે અંતમાં જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીની સરકાર કિસાનોના હિતમાં કામ કરી રહી છે. જેના કારણે જ વારંવાર કિસાનો અને લોકોના આશીર્વાદ ભાજપને પ્રાપ્ત થઈ રહ્યા છે. સૌરાષ્ટ્રની અંદર 'નેવાના પાણી મોભે ચઢાવવા' જેવી કહેવત સાર્થક કરતા નર્મદાનું પાણી ઊંચે લાવીને સૌરાષ્ટ્રના ડેમો ભરાઈ રહ્યા છે અને તેમાંથી ખેડૂતોને પાણી આપવામાં આવી રહ્યું છે. ભૂપેન્દ્ર પટેલની સરકારે પણ ડેમોની 7 કિલોમીટરની ત્રિજ્યામાં પાણી આપવાની જાહેરાત કરી છે. જેથી કિસાનોને પાણી નહીં મળે તેવું બોલવામાં કોંગ્રેસ પાસે કોઈ દમ નથી.
Read full article on Divya Bhaskar