top
4 સ્પા અને ગેસ્ટહાઉસમાં ચાલતા કુટણખાના પર SMCના દરોડા:મહેસાણા બાયપાસ પર ધમધમતા દેહવ્યાપારના ગોરખધંધા પર કાર્યવાહી, 13 સામે ગુનો નોંધાયો
મહેસાણા બાયપાસ હાઇવે પર સ્પા અને ગેસ્ટહાઉસની આડમાં ધમધમતા દેહવ્યાપારના ગોરખધંધા પર સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમે લાલ આંખ કરી છે. બાતમીના આધારે પોલીસે એકસાથે 4 જાણીતા સ્પા અને 1 ગેસ્ટહાઉસમાં ડમી ગ્રાહકો મોકલી દરોડા પાડ્યા હતા. આ કામગીરી દરમિયાન સ્પા અને હોટલની આડમાં ચાલતા વેશ્યાવૃત્તિના રેકેટનો પર્દાફાશ થતાં મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં કુલ 5 અલગ-અલગ ફરિયાદો નોંધવામાં આવી છે. આ સમગ્ર મામલે માલિકો અને સંચાલકો સહિત 13 શખ્સો સામે અનૈતિક વ્યાપાર પ્રતિબંધ અધિનિયમ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. ધ લક્ઝુરી બ્યુટી એન્ડ સ્પા' દેહવેપારનો કરાતો પહેલો દરોડો મહેસાણા બાયપાસ રોડ પર અવધ પ્લાઝા કોમ્પ્લેક્ષના બીજા માળે આવેલા 'ધ લક્ઝુરી બ્યુટી એન્ડ સ્પા'માં પાડવામાં આવ્યો હતો. જ્યાં મસાજના નામે પંજાબ અને ઉત્તર પ્રદેશની મહિલાઓ પાસે દેહવેપાર કરાવવામાં આવતો હતો. પોલીસે સ્થળ પરથી સંચાલક અજયકુમાર પ્રજાપતિની ધરપકડ કરી હતી, જ્યારે તેનો ભાગીદાર યશ રાવલ ફરાર થઈ ગયો હતો. પોલીસે અહીંથી રોકડ રકમ, મોબાઈલ અને વાંધાજનક સાહિત્ય મળી કુલ રૂ. 84,900નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. 'ધ ગોલ્ડન સ્પા'માં થાઈલેન્ડ, પશ્ચિમ બંગાળ અને બિહારની મહિલાઓ હતી બીજી કાર્યવાહી પાંચોટ ગામ ક્રોસ રોડ નજીક આકાર એવન્યુ કોમ્પ્લેક્સમાં આવેલા 'ધ ગોલ્ડન સ્પા' ખાતે કરવામાં આવી હતી. બોગસ ગ્રાહક મોકલી કરાયેલા દરોડામાં થાઈલેન્ડ, પશ્ચિમ બંગાળ અને બિહારની મહિલાઓ પાસેથી દેહવેપાર કરાવાતું હોવાનું ખુલ્યું હતું. પોલીસે સ્થળ પરથી બે મેનેજર સુનિલ ઠાકોર અને રોહિતસિંહ પરમારની અટકાયત કરી રૂ. 63,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે મુખ્ય માલિક પૂનમભાઈ ઉર્ફે પવન રાવળ હાજર ન મળી આવતાં તેને ફરાર જાહેર કરાયો છે. 'હોટલ મધુવન ગેસ્ટ હાઉસ'ના સંચાલક ઝડપાયા ત્રીજી રેઇડ નુગર સર્કલ નજીક આવેલી 'હોટલ મધુવન ગેસ્ટ હાઉસ' પર પાડવામાં આવી હતી. ભાડે રાખેલી આ હોટલમાં બહારથી મહિલાઓને બોલાવી દેહવેપાર કરાવવામાં આવતો હતો. પોલીસે મહારાષ્ટ્ર, સુરત અને ઝારખંડની 3 મહિલાઓને મુક્ત કરાવી સંચાલક લાલસિંહ રાવ અને વિશાલ જોષીને ઝડપી લીધા હતા. સ્થળ પરથી રોકડ, 4 મોબાઈલ અને DVR સહિત રૂ. 43,500નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. 'ધ મુન લાઈટ સ્પા'ના સંચાલક આકાશ રામાવતને ઝડપ્યો ચોથો દરોડો સમર્થ કોમ્પ્લેક્ષમાં ચાલી રહેલા 'ધ મુન લાઈટ સ્પા'માં પાડવામાં આવ્યો હતો. આ સ્પામાં બહારના રાજ્યોની મહિલાઓને લાવી ગ્રાહકો પાસેથી મોટા પાયે રકમ વસૂલવામાં આવતી હતી. SMCની ટીમે સ્થળ પરથી સંચાલક આકાશ રામાવતને ઝડપી પાડી ₹7,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો, જ્યારે ભાગીદાર તેજસકુમાર રાવલ અને હસીના આબાદ રાઉન ફરાર જાહેર થયા છે. 'એપ્પલ વન સ્પા'નો સંચાલક લોકેશ પાટીદાર ઝડપાયો પાંચમી કાર્યવાહી નુગર બાયપાસ પર ક્રિષ્ના કોમ્પલેક્ષમાં આવેલા 'એપ્પલ વન સ્પા'માં કરવામાં આવી હતી. બોગસ ગ્રાહકની મદદથી કરાયેલી રેઇડમાં સ્પાના સંચાલક લોકેશ પાટીદારને ઝડપી લેવાયો હતો. પોલીસે સ્થળ પરથી રોકડ, મોબાઈલ અને લાઈટ બિલ સહિત રૂ. 13,700નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ તમામ કેસોમાં મહેસાણા તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar