crime
મીઠાઈ બને તે પૂર્વે 40 કિલો શંકાસ્પદ ઘી જપ્ત કરાયું:મોરબીમાં દિવાળીના તહેવારો પહેલાં ફૂડ વિભાગ અને એસઓજી ટીમનું બે પેઢીમાં સંયુક્ત ઓપરેશન, ઘીના નમૂના તપાસ અર્થે મોકલાયા
મહાપર્વ દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે મોરબીના લોકોને તેમજ મીઠાઇના ધંધાર્થીઓને હલકી ગુણવત્તાનું ઘી પધરાવી દેવાની ફિરાકમાં રહેલા બે દુકાનદારની પેઢીમાં એસઓજી અને જિલ્લા ફૂડ વિભાગની ટીમે સંયુક્ત દરોડો પાડ્યો હતો અને 40 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, ફૂડ વિભાગે ઘીના નમૂના લઈ તપાસ અર્થે મોકલી આપ્યા છે. તહેવારો નજીક આવી રહ્યા હોવાથી મીઠાઇ વગેરે બનાવવા માટે ઘીની ખપત વધે એ સહજ છે ત્યારે આ શંકાસ્પદ ઘી લોકોના પેટમાં જઇ આરોગ્યને હાનિ કરે તે પહેલાં બન્ને ટીમે બે પેઢીને નિશાન બનાવી શંકાસ્પદ જથ્થો કબજે કર્યો છે. મોરબીના નેહરુ ગેટ ચોકના અંદર ભાગે આવેલી બે દુકાનમાં શંકાસ્પદ ઘીનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે મોરબી SOG અને ફૂડ વિભાગ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલી સઘન તપાસ દરમિયાન શહેરમાં આવેલા આબીદ એચ અંદાણી નામના જનરલ સ્ટોરમાંથી 15 કિલો અને પાયલ સિંગ સેન્ટર નામની દુકાનમાંથી 25 કિલો મળી શંકાસ્પદ ઘીનો કુલ 40 કિલો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. અધિકારીઓએ બન્ને દુકાનેથી ઘીના સેમ્પલ લઇ ગુણવત્તા અને શુદ્ધતાની ચકાસણી માટે સરકારી ફૂડ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. જો કે લેબોરેટરીનો રિપોર્ટ આવ્યા બાદ જ ઘી અસલી છે કે નકલી કે પછી તેમાં કોઈ પ્રકારની ભેળસેળ છે કે નહીં, તેની વાસ્તવિક હકીકત સામે આવશે અને ત્યારબાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. જો કે અત્યારે તો ટીમે જથ્થો કબજે લઇ લીધો છે. ક્યાંય કોઇ ભેળસેળ જણાય તો જાણ કરવા લોકોને અપીલ તહેવારો કે સામાન્ય દિવસોમાં ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળને ડામવા માટે SOG અને ફૂડ વિભાગે કડક વલણ અપનાવ્યું છે. આ સાથે જ વિભાગ દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જો કોઈપણ વિસ્તારમાં શંકાસ્પદ કે અખાદ્ય પદાર્થોનું વેચાણ થતું જણાય, તો તંત્રને તાત્કાલિક જાણ કરવી જેથી લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. પામ ઓઈલની મિલાવટ કરાતી હોવાની શંકા ઘીની ગુણવતા અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. જો કે આ લોકો માત્ર બજાર ભાવ કરતા અડધા કરતાં પણ ઓછા ભાવે વેચાણ કરતા હોવાથી આ ઘી પામ ઓઈલથી બનતું હોવાની આશંકા સેવાઈ રહી છે. જો કે સાચી અને સંપૂર્ણ હકીકત લેબોરેટરી ના રિપોર્ટ બાદ સામે આવી શકશે.
Read full article on Divya Bhaskar