top
42.20 લાખની છેતરપિંડી આચરનાર 5 વેપારી ઝડપાયા:ફ્લિપકાર્ટમાં 5,121 ફેક COD ઓર્ડર કર્યા, 3 દિવસમાં પેમેન્ટ મેળવી ડિલિવરી પહેલાં જ રિટર્ન કરતાં
સુરત સાયબર ક્રાઇમ પોલીસે ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટની સેલર પ્રોટેક્શન ફંડ (SPF Policy) અને પેમેન્ટ સેટલમેન્ટ સિસ્ટમનો દુરુપયોગ કરી 42.20 લાખની છેતરપિંડી આચરનાર 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા તમામ આરોપીઓ સુરતના રહેવાસી અને ઈ-કોમર્સ વેપાર સાથે સંકળાયેલા યુવાનો છે. 3 દિવસમાં પેમેન્ટ મેળવી ડિલિવરી પહેલાં જ રિટર્ન કરી દેતા હતા. ઝડપાયેલા આરોપીઓમાં મુખ્ય સૂત્રધાર આશવ રાજેશભાઈ લુણાગરીયા (ઉં.વ. 28, સરથાણા, સેલર), રક્ષિત રમેશભાઈ રાદડિયા (ઉં.વ. 26, મોટા વરાછા, વેપારી-પાર્ટનર), ભૌતીક કમલેશભાઈ ઠુમ્મર (ઉં.વ. 27, સરથાણા, સેલર), આકાશ સુરેશભાઈ વોરા (ઉં.વ. 26, વેલંજા, વેપારી) અને રોહન સુરેશભાઈ વોરા (ઉં.વ. 23, વેલંજા, વેપારી) સામેલ છે. આ તમામ યુવાનો ઈ-કોમર્સ બિઝનેસ સાથે સંકળાયેલા હતા અને બોગસ એકાઉન્ટ્સ, ફેક મોબાઈલ નંબર્સ તેમજ ડિજિટલ ડિવાઇસના સંકલનથી સુવ્યવસ્થિત સાયબર ક્રાઇમ સિન્ડિકેટ ચલાવતા હતા. બોગસ ફર્મ 'સુખવિલાસ ક્રિએશન'થી 94 લાખના 5,121 શંકાસ્પદ ઓર્ડર તપાસ મુજબ, 23 ડિસેમ્બર 2025થી 31 માર્ચ 2026 દરમિયાન M/s. Sukhvilash Creation નામના સેલર એકાઉન્ટ પરથી અંદાજે ₹94 લાખની કિંમતના 5,121 શંકાસ્પદ ઓર્ડર નોંધાયા હતા. આ ફર્મ અને રજિસ્ટર્ડ નંબર અન્ય વ્યક્તિના નામે હતા, જેનો દુરુપયોગ આરોપી આશવ લુણાગરીયા કરતો હતો. તપાસમાં બહાર આવ્યું કે સમાન કસ્ટમર આઈડી, આઈપી એડ્રેસ, ડિવાઇસ આઈડી અને ડિલિવરી મોબાઈલ નંબરનો વારંવાર ઉપયોગ કરીને મોટા પાયે કેશ ઓન ડિલિવરી (COD) ઓર્ડર કરવામાં આવ્યા હતા. મોડસ ઓપરેન્ડી:3 દિવસમાં પેમેન્ટ મેળવી ડિલિવરી પહેલાં જ રિટર્ન આરોપીઓ ફ્લિપકાર્ટની સેલર પ્રોટેક્શન ફંડ (SPF Policy) અને પેમેન્ટ સેટલમેન્ટ વ્યવસ્થાનો દુરુપયોગ કરતા હતા. ઓર્ડર થયા બાદ સેલરને 3 દિવસમાં પેમેન્ટ મળી જતું હતું, જ્યારે માલ ગ્રાહક સુધી પહોંચી પરત આવે ત્યાં સુધીમાં આશરે 7 દિવસ લાગતા હતા. આરોપીઓ માલ ડિલિવર થાય તે પહેલાં જ ઓર્ડર રિટર્ન કે રિફંડમાં મૂકી દેતા હતા અને કંપનીને પેમેન્ટ પરત આપ્યા વિના SPF પોલિસી હેઠળ ક્લેમ કરી ગેરકાયદેસર રીતે 42.20 લાખ પડાવી લીધા હતા. પાંચેય આરોપીઓની અલગ-અલગ ભૂમિકા - આશવ લુણાગરીયા (મુખ્ય સૂત્રધાર) અન્ય વ્યક્તિના નામે 'M/s. Sukhvilash Creation' ફર્મ તથા બોગસ મોબાઈલ નંબરથી સેલર એકાઉન્ટ બનાવ્યું અને કંપની સાથે ₹42.20 લાખની ઠગાઈ આચરી. - આકાશ વોરા (નેટવર્કિંગ લિંક) 5,121 બોગસ ઓર્ડર કરાવવા માટે ટેલિગ્રામ પર પ્રતિ ઓર્ડર ₹120 લેખે કામ કરી આપતા અજાણ્યા શખ્સનો સંપર્ક મુખ્ય આરોપી આશવ સાથે કરાવ્યો. - ભૌતીક ઠુમ્મર (પેમેન્ટ હેન્ડલર) આશવ પાસેથી નાણાં પોતાના બેંક એકાઉન્ટમાં મેળવીને ટેલિગ્રામ હેન્ડલરને પ્રતિ ઓર્ડર ₹120 લેખે ટ્રાન્સફર કરી આપવાનું કામ કર્યું. - રક્ષિત રાદડિયા (ફાઇનાન્સ હેન્ડલર) આશવ સાથે પાર્ટનરશીપ ધરાવતો હતો; બોગસ સેલર એકાઉન્ટના બેંક ખાતામાં પોતાનો નંબર રજિસ્ટર રાખી તમામ આર્થિક વ્યવહારો સંભાળતો હતો. - રોહન વોરા (ફેક ડિજિટલ સેટઅપ) ભૌતીક અને આકાશ સાથે પાર્ટનર હતો; તેના ફોનમાંથી 15 જેટલા Gmail ID મળ્યા, જેનો ઉપયોગ એમેઝોન પર બોગસ સેલર ID ખોલવા માટે થતો હતો. ટેલિગ્રામથી પ્રતિ ઓર્ડર 120 કમિશન અને 2.36 કરોડના વ્યવહાર આ કૌભાંડમાં ફેક ઓર્ડર જનરેટ કરાવવા માટે આકાશ વોરાએ આશવનો સંપર્ક ટેલિગ્રામ પર એક અજાણી વ્યક્તિ સાથે કરાવ્યો હતો. આરોપીઓ પ્રતિ ઓર્ડર 120 લેખે કમિશન ચૂકવતા હતા. આ રકમ ભૌતીક ઠુમ્મરના એકાઉન્ટ મારફતે ટેલિગ્રામ હેન્ડલરને મોકલવામાં આવતી હતી. દરમિયાન, રક્ષિત રાદડિયાના નિયંત્રણ હેઠળના બેંક ખાતામાંથી જૂન 2025થી એપ્રિલ 2026 વચ્ચે 2.36 કરોડથી વધુના જંગી નાણાકીય વ્યવહારો મળી આવ્યા છે. તેમજ આરોપી રોહન પાસેથી 15 જીમેઇલ આઇડી મળી આવ્યા છે, જેનો ઉપયોગ એમેઝોન પર ફેક આઈડી ખોલવા માટે થતો હતો.
Read full article on Divya Bhaskar