top
પોઈચામાં 425 વિદ્યાર્થીઓના તપના પારણા:નર્મદા કિનારે 10 રાજ્યોના બ્રાહ્મણ બટુકોએ મહાપૂજા સાથે વ્રત પૂર્ણ કર્યું
સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનની સુરત, વડોદરા અને નીલકંઠધામ પોઇચા ശാખાના 425 વિદ્યાર્થીઓ તેમજ 70 સંતોએ નર્મદા નદીના પવિત્ર કિનારે તપ વ્રતના પારણા કર્યા હતા. સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામીના સાનિધ્યમાં યોજાયેલા આ ધાર્મિક મહોત્સવમાં દસ રાજ્યોના બ્રાહ્મણ બટુકો પણ ઉત્સાહભેર જોડાયા હતા. ચોમાસામાં તપ અને આહાર નિયમનનું મહત્વ ચોમાસાની ઋતુમાં અવારનવાર વાદળછાયું વાતાવરણ રહેતું હોવાથી સૂર્યનારાયણના દર્શન અલ્પ પ્રમાણમાં થાય છે. આ કારણે પાચનશક્તિ મંદ પડે છે અને ખાધેલો ખોરાક યોગ્ય રીતે પચતો નથી, જેના પરિણામે શારીરિક બીમારીઓ થવાની શક્યતા વધી જાય છે. શરીર નિરોગી રહે તે માટે શાસ્ત્રકારોએ આ દિવસોમાં અલ્પાહાર કરવો તથા વિશેષ તપ-વ્રત કરવાનો વિધાન દર્શાવ્યો છે. સંતોની પ્રેરણાથી વિદ્યાર્થીઓનું કઠોર તપ સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનની દેશ-વિદેશની વિવિધ શાખાઓમાં સેવારત 275 સંતો નિયમિતપણે તપ-વ્રત અને ભજન-ભક્તિ કરે છે. આશ્રમમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સંતોના આ તપોમય જીવનમાંથી પ્રેરણા મેળવીને સ્વયં તપ કરવા પ્રેરાય છે. આ વર્ષે ચાતુર્માસના પ્રથમ માસ દરમિયાન ગુરુકુલની વિવિધ શાખાઓના 3900થી વધુ વિદ્યાર્થીઓએ કઠોર તપસ્યા કરી હતી. ગુરુકુલમાં અભ્યાસ કરતા ધોરણ 10, 11 અને 12ના મોટા વિદ્યાર્થીઓ પોતાના માતા-પિતાની મંજૂરી લઈને આ વ્રત કરતા હોય છે. ભગવાન સ્વામિનારાયણ દ્વારા દર્શાવાયેલા તપના વિવિધ પ્રકારો સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણે એક મહિના સુધી કરી શકાય તેવા વિવિધ વ્રતોનું વર્ણન કર્યું છે ધારણા-પારણા: એક દિવસ જમવાનું અને બીજા દિવસે પૂર્ણ ઉપવાસ કરવાનો. શિશુ ચાંદ્રાયણ: નાના બાળકો માટે સવારે 4 અને સાંજે 4 લીંબુ જેવડા કોળિયા જમવાના. દંડ ચાંદ્રાયણ: દિવસમાં માત્ર એક જ વાર 8 કોળિયા જમવાના. પારાક કૃચ્છ તપ: સતત 12 દિવસ સુધી નિરાહાર ઉપવાસ કરવાના. પોઈચા નીલકંઠધામે પારણા ઉત્સવ અને મહાપૂજા પ્રભુ સ્વામીના જણાવ્યા અનુસાર, ચાતુર્માસનો પ્રથમ માસ પૂર્ણ થતાં સંસ્થાનની તમામ શાખાઓમાં વડિલ સંતો દ્વારા વિદ્યાર્થીઓને પારણા કરાવવામાં આવ્યા હતા. નીલકંઠધામ પોઇચા ખાતે સુરત ગુરુકુલના 150, વડોદરા વરણામા ગુરુકુલના 225 અને નીલકંઠધામ પોઇચા સંસ્કૃત પાઠશાળાના 10 રાજ્યોના 50 બ્રાહ્મણ વિદ્યાર્થીઓ તથા 70 સંતોના પારણાનો મહોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે ધર્મવલ્લભદાસજી સ્વામી, પ્રભુ સ્વામી, શ્વેતવૈકુંઠ સ્વામી, ભક્તિતનય સ્વામી અને ધર્મસંભવ સ્વામી સહિતના વડિલ સંતોએ પ્રથમ ભવ્ય મહાપૂજા કરી તપ-વ્રત ભગવાનના ચરણે સમર્પિત કરાવ્યું હતું. ત્યારબાદ સંતોએ જાતે વિદ્યાર્થીઓને પ્રેમપૂર્વક ભોજન પીરસીને તપના પારણા કરાવ્યા હતા. કુબેર ભંડારીના દર્શનથી વિદ્યાર્થીઓ ધન્ય બન્યા નર્મદા કિનારે આયોજિત આ કાર્યક્રમમાં પૂજાવિધિ અને અભિષેક બાદ ગાય, અશ્વ, હસ્તી તથા વિવિધ રથ સાથે એક ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ અને સંતોએ નાવમાં બેસીને પવિત્ર નર્મદા નદી પાર કરી સામે કાંઠે આવેલા પ્રસિદ્ધ કુબેર ભંડારીના દર્શનનો લાભ લીધો હતો. આ સમગ્ર ધાર્મિક અનુભવથી તમામ વિદ્યાર્થીઓએ ભારે ધન્યતા અને આધ્યાત્મિક આનંદ અનુભવ્યો હતો.
Read full article on Divya Bhaskar