top
કડીના દેઉસણામાં બાવળની ઝાડીઓમાં ધમધમતી દારૂની ભઠ્ઠી પર પોલીસ ત્રાટકી:4400 લિટર આથો અને 23 પીપનો સ્થળ પર જ નાશ, બૂટલેગર ફરાર; 1.12 લાખનો મુદ્દામાલ કબ્જે
મહેસાણા જિલ્લામાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓનું દૂષણ ડામવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક (SP) હિમાંશુ સોલંકી દ્વારા અપાયેલી કડક સૂચનાના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે. LCB પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. કામળીયાના માર્ગદર્શન હેઠળ મળેલી ચોક્કસ બાતમીના પગલે PSI એ.ડી. કાકરેચા અને તેમની ટીમે કડી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા દેઉસણા ગામે ઓચિંતો દરોડો પાડીને બાવળની ઝાડીઓમાં ચાલતી દેશી દારૂની મોટી ભઠ્ઠીનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે સ્થળ પરથી 4400 લીટર ગરમ આથો અને તૈયાર દારૂ સહિત કુલ 1,12,000 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. કેનાલ નજીક બાવળની ઝાડીઓમાં ચાલતી ભઠ્ઠી પર દરોડો બાતમી મુજબ, દેઉસણાથી જાદવપુરા ચોકડી તરફ જતા માર્ગ પર આવેલી માઇનોર કેનાલ નજીકના તળાવ કાંઠે બાવળની ઝાડીઓમાં છૂપી રીતે દેશી દારૂ બનાવવાની પ્રવૃત્તિ ચાલી રહી હતી. LCBની ટીમે વ્યૂહાત્મક રીતે ઘેરાબંધી કરીને સ્થળ પર સરપ્રાઇઝ રેડ કરી હતી. તપાસ દરમિયાન ત્યાંથી દેશી દારૂ ગાળવા માટે તૈયાર કરાયેલો 1,10,000 રૂપિયાની કિંમતનો 4400 લીટર ગરમ આથો (વોશ) તેમજ 2000 રૂપિયાની કિંમતનો 10 લીટર તૈયાર દેશી દારૂ મળી આવ્યો હતો. 23 પ્લાસ્ટિકના પીપ સહિત દારૂ ગાળવાના સાધનોનો સ્થળ પર નાશ કરાયો દરોડા દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી દેશી દારૂ ગાળવાના કામમાં ઉપયોગમાં લેવાતા 200 લીટરની ક્ષમતાવાળા 23 પ્લાસ્ટિકના પીપ અને અન્ય સંબંધિત સાધન-સામગ્રી કબ્જે કરી હતી. પંચોની રૂબરૂમાં સ્થળ પર જ આ તમામ સાધનો અને આથાના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો, જેથી ગેરકાયદેસર પ્રવૃત્તિને સંપૂર્ણપણે ડામી શકાય. બૂટલેગર વિરમજી ઉર્ફે અપ્પુ ફરાર આ ગેરકાયદે ભઠ્ઠી ચલાવનાર મુખ્ય આરોપી વિરમજી ઉર્ફે અપ્પુ લાલાજી ઠાકોર (રહે. દેઉસણા, ઠાકોરવાસ, તા. કડી) પોલીસના દરોડા દરમિયાન સ્થળ પર હાજર મળી આવ્યો ન હતો. આ મામલે કડી પોલીસ મથક ખાતે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે વોન્ટેડ આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
Read full article on Divya Bhaskar