crime
મોરબીની મચ્છુ જળ હોનારતને 47 વર્ષ પૂર્ણ:11 ઓગસ્ટની કાળઝાળ યાદો આજે પણ મોરબીવાસીઓના હૃદયમાં જીવંત, મૌન રેલી યોજી દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અપાઈ
મોરબીની મચ્છુ જળ હોનારતને આજે 47 વર્ષ પૂર્ણ થયા છે. 11 ઓગસ્ટ, 1979ના દિવસે મચ્છુ-2 ડેમ તૂટતાં મોરબી શહેરમાં મચ્છુ નદીના પાણી ફરી વળ્યાં હતાં. આ ભયાનક જળપ્રલયમાં અનેક લોકોએ પોતાના પરિવારજનો, સ્વજનો અને માલ-મિલકત ગુમાવી હતી. ઘટનાને 47 વર્ષ વીતી ગયા હોવા છતાં 11 ઓગસ્ટની તારીખ આવતાં મોરબીવાસીઓની જૂની યાદો તાજી થઈ જાય છે અને હોનારતના ભયાનક દૃશ્યો આજે પણ લોકોના મનમાં કંપારી જગાવે છે. 4200થી વધુ લોકોનાં મોત થયાની માન્યતા મચ્છુ જળ હોનારતમાં કેટલા લોકોનાં મોત થયા હતા તેનો ચોક્કસ સત્તાવાર આંકડો આજે પણ સ્પષ્ટ નથી. જોકે, ઉપલબ્ધ વિવિધ આંકડા અને માન્યતાઓ મુજબ 4,200થી વધુ લોકો મચ્છુના પાણીમાં તણાઈ ગયા હોવાનું કહેવાય છે. આ ઉપરાંત હજારો અબોલ પશુઓ પણ જળપ્રલયનો ભોગ બન્યાં હતાં. પાણી ઓસર્યા બાદ જોવા મળ્યાં હતાં હૃદયદ્રાવક દૃશ્યો હોનારત બાદ જ્યારે મચ્છુનું પાણી ઓસર્યું ત્યારે શહેરમાં અત્યંત કરુણ દૃશ્યો જોવા મળ્યાં હતાં. મૃતકોના મૃતદેહો વીજપોલ, મકાનોની છત, વૃક્ષોની ડાળીઓ અને વીજ વાયરો પર લટકતા જોવા મળ્યા હતા. આ દૃશ્યો મોરબીના લોકો માટે આજે પણ ભૂલી શકાય તેમ નથી. 47 વર્ષ બાદ પણ આ વિનાશને યાદ કરતાં તે સમયનું મોતનું તાંડવ લોકોની નજર સમક્ષ આવી જાય છે. મહાનગરપાલિકાથી મણીમંદિર સુધી મૌન રેલી યોજાઈ મચ્છુ જળ હોનારતની 47મી વરસીએ આજે મોરબી મહાપાલિકા કચેરીથી મણીમંદિરના પટાંગણમાં આવેલી દિવંગત આત્માઓની ખાંભી સુધી મૌન રેલી યોજવામાં આવી હતી. રેલીમાં મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો, અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને શહેરીજનો જોડાયા હતા. રેલી દરમિયાન મૌન પાળીને જળ હોનારતમાં જીવ ગુમાવનાર લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મંત્રી કાંતિ અમૃતિયા, અધિકારીઓ અને રાજકીય આગેવાનો જોડાયા મૌન રેલીમાં રાજ્યમંત્રી કાંતિ અમૃતિયા, મોરબીના મેયર ઉત્તમ સુરાણી, માજી મંત્રી બ્રિજેશ મેરજા, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિ રાજકોટિયા, પ્રદીપ વાળા, ડો.જયંતિ ભાડેશિયા, શહેર ભાજપ પ્રમુખ નૈમિષ પંડિત, જિલ્લા ભાજપ મહામંત્રી અરવિંદ વાસદડિયા અને તપન દવે સહિતના આગેવાનો જોડાયા હતા. આ ઉપરાંત કલેક્ટર સ્વપ્નિલ ખરે, ડીડીઓ વિદ્યાસાગર, એસપી મુકેશ પટેલ, ડીવાયએસપી જે.એમ. આલ સહિતના અધિકારીઓ તેમજ વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો, મહાપાલિકાના ચેરમેનો, ચૂંટાયેલા સભ્યો અને મોટી સંખ્યામાં મોરબીવાસીઓ રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા. દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અપાઈ રેલી મણીમંદિરના પટાંગણમાં આવેલી દિવંગત આત્માઓની ખાંભી ખાતે પહોંચ્યા બાદ મચ્છુ જળ હોનારતમાં જીવ ગુમાવનાર તમામ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. 47 વર્ષ બાદ પણ મોરબીવાસીઓ આ વિનાશક ઘટનાને ભૂલ્યા નથી અને દર વર્ષે આ દિવસે દિવંગત આત્માઓને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપે છે.
Read full article on Divya Bhaskar