top
પાટણના પદ્મનાભ વિસ્તારમાં ઉભરાતી ગટરથી નાગરિકો ત્રાહિમામ્:રહીશો અને ટ્રસ્ટ દ્વારા પાલિકાને આવેદનપત્ર અપાયું; 48 કલાકમાં ઉકેલ ન આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી
પાટણ શહેરના પદ્મનાભ વિસ્તારમાં છેલ્લા ચાર મહિનાથી ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યાથી સ્થાનિક રહીશો, વેપારીઓ અને પદ્મનાભ મંદિરના દર્શનાર્થીઓ પરેશાન છે. આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે પદ્મનાભ મંદિર ટ્રસ્ટ અને સોસાયટીના રહીશોએ પાટણ નગરપાલિકાને આવેદનપત્ર પાઠવ્યું છે. ભૂગર્ભ ગટરની લાઇન ચોકઅપ થવાને કારણે માર્ગો પર દુર્ગંધયુક્ત ગંદુ પાણી વહી રહ્યું છે. જેનાથી રહીશો અને વેપારીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. નાના બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય સામે ગંભીર ખતરો ઉભો થયો છે, અને આ વિસ્તારમાં ડેન્ગ્યુના બે કેસ પણ નોંધાયા છે. પદ્મનાભ ભગવાનનું મંદિર આ વિસ્તારમાં આવેલું હોવાથી દર્શનાર્થીઓને પણ ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. આ અંગે અગાઉ કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવી હતી, જેમણે પાલિકાને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી હતી, છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી. રજૂઆત કરવા પહોંચેલા પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ યશપાલ સ્વામી અને રહીશોએ પાલિકા કાર્યાલય ખાતે પ્રમુખ, ઉપપ્રમુખ, ચીફ ઓફિસર કે કારોબારી ચેરમેનમાંથી એક પણ જવાબદાર અધિકારી હાજર ન મળતાં ભારે રોષ વ્યક્ત કર્યો હતો. રહીશોના મતે, એડવાન્સ અને ડબલ વેરા ભરવા છતાં નગરપાલિકા સુવિધા આપવામાં નિષ્ફળ રહી છે. રહીશોએ ડેન્ગ્યુના રિપોર્ટ અને કલેક્ટરના આદેશ સહિતના પુરાવાઓ સાથે નગરપાલિકાની ભૂગર્ભ ગટર શાખા અને OS ને આવેદનપત્ર સોંપ્યું છે. પાલિકા દ્વારા ત્વરિત નિરાકરણની ખાતરી આપવામાં આવી છે, પરંતુ જો 48 કલાકમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો તમામ સોસાયટીના રહીશો સાથે મળી નગરપાલિકા ખાતે ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી આપવામાં આવી છે.
Read full article on Divya Bhaskar