top
વર્ક ફ્રોમ હોમના નામે 5.98 લાખની ઠગાઈ:કમિશન પર બેંક એકાઉન્ટ આપનાર રત્નકલાકાર ઝડપાયો, 5 રાજ્યોમાં છેતરપિંડીના તાર જોડાયા
સુરતમાં વર્ક ફ્રોમ હોમ અને પાર્ટ ટાઈમ જોબના નામે લોકો સાથે લાખોની સાયબર ઠગાઈ કરતી સક્રિય ટોળકીના એક આરોપીને શહેર સાયબર ક્રાઈમ સેલે ઝડપી પાડ્યો છે. પકડાયેલો રત્નકલાકાર 23 વર્ષીય રવિ સંજયભાઈ બારૈયા (રહે. ગાયત્રી સોસાયટી, કાપોદ્રા, સુરત અને મૂળ ગારિયાધાર, ભાવનગર) છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે રવિ સાયબર માફિયાઓ સાથે મળી કમિશન મેળવી બેંક એકાઉન્ટ પૂરા પાડવાનું કામ કરતો હતો. તેના બેંક ખાતાની તપાસ કરતા સમગ્ર દેશમાં અલગ-અલગ રાજ્યોમાંથી 5 જેટલી સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી હોવાનું ખૂલ્યું છે. સ્ટાર રેટિંગ ટાસ્ક આપી 5.98 લાખ પડાવ્યા સાયબર ઠગોએ ફરિયાદીનો સંપર્ક ટેલિગ્રામ મારફતે કર્યો હતો. તેમણે પાર્ટ ટાઈમ જોબમાં સામાન્ય સ્ટાર રેટિંગ આપવાનું ટાસ્ક પૂરું કરીને મોટો નફો મેળવવાની લાલચ આપી હતી. વિશ્વાસ કેળવવા માટે ઠગોએ એક બનાવટી વેબસાઈટની લિંક મોકલી ફરિયાદીનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. શરૂઆતમાં નાની રકમ ચૂકવીને વિશ્વાસ જીત્યા બાદ, વધુ ટાસ્ક અને મોટું વળતર મેળવવા માટે ફરિયાદી પાસેથી અલગ-અલગ ચાર્જિસ પેટે જુદા-જુદા બેંક એકાઉન્ટ્સમાં કુલ ₹5,98,800 ટ્રાન્સફર કરાવી લીધા હતા. બાદમાં કોઈ વળતર કે મુદ્દલ રકમ પરત ન આપી છેતરપિંડી આચરી હતી. કાપોદ્રામાંથી રવિ બારૈયા દબોચાયો ઠગાઈનો ભોગ બનેલા ફરિયાદીએ તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. સુરત સાયબર ક્રાઈમ સેલે ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ હાથ ધરી કાપોદ્રા વિસ્તારમાંથી રવિ બારૈયાને દબોચી લીધો હતો. આરોપીના ખાતામાંથી 7.11 લાખના ફ્રોડ વ્યવહારો મળ્યા પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ફરિયાદી પાસેથી પડાવવામાં આવેલા નાણાંમાંથી ₹1,00,000 સીધા આરોપીના IDFC FIRST Bank એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા. આરોપીના આ એકાઉન્ટનું સ્ટેટમેન્ટ ચકાસતાં તેમાં કુલ ₹7,11,475 ના શંકાસ્પદ સાયબર ફ્રોડ ટ્રાન્ઝેક્શન્સ મળી આવ્યા હતા. કમિશન પેટે ખાતું સાયબર ગેંગને સોંપ્યું હતું પોલીસ પૂછપરછમાં આરોપી રવિ બારૈયાએ કબૂલાત કરી હતી કે તેણે વધુ પૈસા કમાવવાની લાલચમાં કમિશન મેળવીને પોતાના બેંક એકાઉન્ટની કીટ સહ-આરોપી ગૌતમ બારૈયાને સોંપી હતી. NCCRP પર તપાસ કરતા આરોપીના બેંક એકાઉન્ટ સામે અલગ-અલગ રાજ્યોમાં 5 ગુના નોંધાયા હોવાનું બહાર આવ્યું છે. હાલ સાયબર ક્રાઈમ પોલીસે રવિની ધરપકડ કરી તેના અન્ય સાથીદાર ગૌતમ બારૈયા તથા આ રેકેટ સાથે સંકળાયેલા અન્ય માસ્ટરમાઇન્ડ્સને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Read full article on Divya Bhaskar