top
ભાજપ નેતા નરહરિ અમીનને 65 કરોડનો પ્લોટ અડધામાં પધરાવવાનો કારસો:SG હાઇવે ટચ લગડી 2608 ચો.મી. પ્લોટમાં ગરીબના આવાસ બની શકત, યુસુફ પઠાણ જેવો જ 'ખેલ'
અમદાવાદના એસજી હાઇવે પર ભાજપના રાજ્યસભાના પૂર્વ સાંસદ નરહરિ અમીનના જન સહાયક ટ્રસ્ટ-હીરામણિ સ્કૂલ દ્વારા AMCના પાર્કિંગ હેતુના પ્લોટને હેતુફેર કરી શૈક્ષણિક હેતુ માટે ફાળવવા અંગેની રજૂઆત કરવામાં આવી છે. AMC પ્લોટ હીરામણિ કેમ્પસ વિસ્તારમાં આવેલો છે અને વર્ષોથી પ્લોટ પાર્કિંગ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. સૂત્રો મુજબ આ પ્લોટની બજાર કિંમત 65 કરોડથી વધારે થાય છે ત્યારે આ પ્લોટની ભાજપના પૂર્વ સાંસદ દ્વારા માંગણી કરવામાં આવી છે. જો પ્લોટનો હેતુફેર કરવામાં આવે અને શૈક્ષણિક હેતુ માટે ફાળવવામાં આવે તો 50 ટકામાં ફાળવવામાં આવે જેથી તેમને જે હાલમાં પ્લોટની કિંમત છે તેના કરતાં ઓછી કિંમત ટ્રસ્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ચૂકવવી પડે. ભાજપના પૂર્વ સાંસદે શૈક્ષણિક હેતુ માટે માંગણી કરી છે ત્યારે પ્લોટને ફાળવવા અંગેની દરખાસ્તને મંજૂરી આપવામાં આવશે તો કોર્પોરેશનને 50 ટકા રકમનું નુકસાન જાય તેવી શક્યતા છે. શૈક્ષણિક હેતુ માટે ફાળવવો કે કેમ તે અંગે ચર્ચા કરાશે: TP ચેરમેન ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીના ચેરમેન ભાગ્યેશ પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોર્પોરેશનને કપાતમાં મળેલો પાર્કિંગ હેતુનો પ્લોટ હાલમાં હીરામણિ કેમ્પસમાં જ આવેલો છે અને તેનો અન્ય કોઈ રીતે ઉપયોગ થઈ શકે તેમ નથી. જેથી શૈક્ષણિક હેતુ માટે તેમના દ્વારા માંગણી કરવામાં આવી છે. જોકે આ પ્લોટ શૈક્ષણિક હેતુ માટે આપવામાં આવે તો 50 ટકા લેખે ફાળવવામાં આવશે ત્યારે હવે શૈક્ષણિક હેતુ માટે હેતુફેર કરી ફાળવવો કે કેમ તેને લઈને હોદ્દેદારો સાથે ચર્ચા કરી નિર્ણય લેવામાં આવશે. જાહેર હરાજીથી પ્લોટ વેચાણથી લેવા અમે તૈયાર: નરહરિ અમીન ભાજપના પૂર્વ સાંસદ નરહરિ અમીને દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશનને કપાતમાં પ્લોટ મળ્યો છે અને હીરામણિ સ્કૂલના કેમ્પસમાં ત્રિકોણીયો પ્લોટ આવેલો છે. પ્લોટમાં માત્ર પાર્કિંગ થઈ શકે એવી જગ્યા છે. કોર્પોરેશન અને સરકારના નીતિ નિયમ પ્રમાણે જાહેર હરાજીથી આ પ્લોટ વેચાણથી લેવા માટે અમે તૈયાર છીએ. અમારી સંસ્થા શૈક્ષણિક હેતુ માટે ચાલી રહી છે અને પ્લોટ શૈક્ષણિક સંસ્થા માટે જ વાપરવાના છીએ. અમને કોઈ માર્જિનમાં બાંધકામ મળવાનું નથી. આ કોઈ કોમર્શિયલ કે કોઈ અન્ય બાંધકામ માટે નથી તેનો ઉપયોગ પાર્કિંગ માટે જ થવાનો છે અને અમારી સંસ્થા પણ શૈક્ષણિક છે જેથી શૈક્ષણિક હેતુ માટે માંગવામાં આવ્યો છે. શૈક્ષણિક હેતુ માટે ઓછા પૈસે પ્લોટની માગ આવતીકાલે 30 ઓક્ટોબરના રોજ મળનારી ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીમાં ભાજપના કોર્પોરેટરના ટેકા સાથે દરખાસ્તમાં એસજી હાઇવે પર છારોડી ખાતે ભાજપના પૂર્વ સાંસદ નરહરિ અમીનના જન સહાયક ટ્રસ્ટ હીરામણિ સ્કૂલ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સામાજિક સુવિધા- પાર્કિંગના હેતુ માટે મળેલા 2608 ચોરસ મીટર પ્લોટને શૈક્ષણિક હેતુ માટે હેતુફેર કરી ફાળવવા અંગેની રજૂઆત કરવામાં આવી છે. જેને ધ્યાનમાં રાખી લેન્ડ ડિસ્પોઝેબલ પોલિસી હેઠળ જાહેર હરાજીથી નિકાલ કરવા માટે દરખાસ્ત મુકવામાં આવી છે. ત્યારે ભાજપના પૂર્વ સાંસદના ટ્રસ્ટે કોર્પોરેશનના પાર્કિંગ હેતુના પ્લોટને શૈક્ષણિક હેતુ માટે માંગણી કરી ઓછા પૈસે પ્લોટ મેળવવા માગ કરી છે. પ્લોટ આપશે તો કોર્પોરેશનને નુકસાન થશે જો કોર્પોરેશનના પ્લોટને સામાજિક માળખાકીય સુવિધા માટેનો પ્લોટ જાહેર હરાજીથી ફાળવવાનો હોય તો જંત્રી અને બજાર ભાવ ગણી પૂરા પૈસા ચૂકવવાના હોય છે. જોકે શૈક્ષણિક હેતુ માટે જો કોઈ પણ પ્લોટ ફાળવવામાં આવે તો 50 ટકા કિંમતે ફાળવવામાં આવે છે. ભૂતકાળમાં કોર્પોરેશને ત્રણ પ્લોટ શૈક્ષણિક હેતુ માટે 50 ટકા કિંમતે ફાળવ્યા છે ત્યારે ભાજપના સાંસદ નરહરિ અમીને કોર્પોરેશનના પ્લોટના પાર્કિંગ હેતુના પ્લોટને શૈક્ષણિક હેતુફેર કરી માંગણી કરી છે ત્યારે કમિટી દ્વારા આ પ્લોટને હેતુફેર કરી ફાળવવા માટેની દરખાસ્ત મંજૂર કરવામાં આવશે તો કોર્પોરેશનને 50 ટકા લેખે જમીન આપી દેતા કોર્પોરેશનને નુકસાન જઈ શકે છે. કોર્પોરેશનને ફાયદો થશે કે ભાજપને ફાયદો ૂત્રોના જણાવ્યા મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશનને સામાજિક માળખાકીય સુવિધા પાર્કિંગ હેતુ માટે મળેલો TP 57 FP 211/2 પ્લોટ હીરામણિ કેમ્પસમાં જ આવેલો છે અને ત્યાં પાર્કિંગ કરવામાં આવે છે ત્યારે આ પ્લોટ પર હીરામણિ કેમ્પસમાં સ્કૂલ બસોના પાર્કિંગ માટે જગ્યા લેવામાં આવી રહી છે. જે પ્લોટ હાલમાં પાર્કિંગ માટે ઉપલબ્ધ છે ત્યાં કોઈ શૈક્ષણિક બાંધકામ કરવાનું નથી, પરંતુ માત્ર પાર્કિંગ કરવાનું છે. ત્યારે શૈક્ષણિક હેતુ માટે પ્લોટ માંગણી કરવામાં આવી છે. ત્યારે હવે ભાજપના ચેરમેન દ્વારા કોર્પોરેશનને ફાયદો કરાવવામાં આવશે કે ભાજપના સાંસદને ફાયદો થશે તેના પર સવાલ છે.
Read full article on Divya Bhaskar