politics
રાજકોટમાં 700 આંગણવાડી બહેનોની લડત:વર્કરને રૂ.24,800, હેલ્પરને રૂ.5,500 ચૂકવવાની માંગ સાથે રેલી કાઢી કલેકટરને રજૂઆત, ગાંધીનગરમાં આંદોલનની ચિમકી
રાજ્યની 53,000 આંગણવાડીની 1.6 લાખ આંગણવાડી બહેનો લડતના માર્ગે છે ત્યારે આજે 10 ઓગસ્ટના રાજકોટની 360 આંગણવાડીની 700 જેટલી બહેનો સિવિલ હોસ્પિટલ ચોક ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થઈ હતી અને કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી ઉગ્ર રોસ વ્યક્ત કર્યો હતો જેમાં તેઓની માગણી હતી કે, આંગણવાડી વર્કરને રૂ.10,000 અને હેલ્પરને રૂ.5,500 ચૂકવવામાં આવે છે ત્યારે તેઓને અનુક્રમે રૂ.24,800 અને રૂ.20,800 ચૂકવવામાં આવે તેવી માંગણી છે. આ સાથે જ સંસદમાં કેન્દ્રીય મંત્રી જે. પી.નડ્ડાએ આશા વર્કરોને રૂ.1500 ફાળવવાની જાહેરાત તો અમલ કે પરિપત્ર ગુજરાત સરકાર દ્વારા હજુ સુધી ન થતા તેની પણ માંગણી કરવામાં આવી છે. જો આ માંગણી નહીં સંતોષાય તો રાજ્યની રાજધાની ગાંધીનગરમાં પડાવ નાખી મહા આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં સૌરાષ્ટ્ર ઝોન મહામંત્રી સંગીતાબેન રાવલે જણાવ્યું હતું કે, આજે અમે રેલી કાઢી હતી.જેમાં આશા વર્કર, આંગણવાડી વર્કર, મિડ ડે મિલ કામદાર જોડાયા છે. સરકારની જે કામદારોની શોષણ કરવાની નીતિ છે એના વિરોધમાં આજે અમે વિરોધ નોંધાવીએ છીએ. આજે હોસ્પિટલ ચોકથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢવામાં આવી હતી. અમારી મુખ્ય પડતર માંગણીઓ છે અમારો લઘુત્તમ વેતનમાં સમાવેશ કરે, હાઇકોર્ટના ચુકાદાનો અમલ કરે અને સરકારે નક્કી કરેલું લઘુત્તમ વેતન ચૂકવવામાં આવે. આજની મોંઘવારીમાં વર્કરને રૂ.10,000 અને હેલ્પરને રૂ.5,500 ચૂકવવામાં આવે છે તો સરકારે વિચારવું જોઈએ કે આ મોંઘવારીમાં બહેનો પોતાનું ઘર ગુજરાન કેવી રીતે ચલાવે. જે બિલો ચૂકવવામાં આવે છે એ પણ 6 કે 8 મહિનાથી ચૂકવવામાં આવ્યા નથી, તો રૂ.10,000 માં પોતાનું ઘર ચલાવે કે રોકાણ કરે. જેથી બિલ નિયમિતપણે ચૂકવવામાં આવે. અનેક આવેદન આપ્યા, ધરણાં, રેલી કાઢી છતાં પણ આ પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ આવતો નથી. જેથી સરકાર તાત્કાલિક ધોરણે ઉકેલ લાવે નહીંતર આગામી દિવસોમાં અમે ગાંધીનગરમાં મહાપડાવ કરવાની પણ તૈયારી કરી રહ્યા છીએ અને અમે અમારો હક લઈને જ રહીશું. કેન્દ્રીય મંત્રી નડ્ડાએ ₹1500 ફાળવવાની સંસદમાં કરેલી જાહેરાતની અમલવારી ન થઈ: આશા વર્કર અલ્કાબેન ભટ્ટ આશા વર્કર અલ્કાબેન ભટ્ટે જણાવ્યું હતું કે, અમે 24-24 કામગીરી કરીએ છીએ. એમાંથી કોઈપણ વળતર અમને સમયસર ચૂકવવામાં નથી આવતું. લઘુત્તમ વેતનમાં અમારો સમાવેશ નથી થતો. કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાજીએ સંસદમાં મુદ્દો ઊભો કર્યો હતો કે આશા વર્કરને ₹1500 ફાળવવામાં આવશે. હજુ સરકાર તરફથી ક્યાંય અમને એનો GR મળ્યો નથી કે એ ચૂકવવાનું શરૂ નથી કર્યું. સરકારને ડિજિટલ કામગીરી કરાવવી છે તો ડિજિટલ કામગીરીનો મોબાઇલ તમે ફાળવો. અમે અમારા મોબાઇલમાં એપ્લિકેશન કરીને કામગીરી કરીએ છીએ. એ ઉપરાંત અમારો લઘુત્તમ વેતનમાં સમાવેશ કર્યો જ નથી. માનદ વેતનમાં અમે કામ કરીએ છીએ. અત્યારે આશા વર્કર અને ફેસિલિટેટર બહેનો દ્વારા જિલ્લા કક્ષાએ રેલી અને જેલ ભરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જો અમારી માંગણી સંતોષાશે નહીં તો અમે આનાથી ઉગ્ર આંદોલન કરવા તરફ જઈ રહ્યા છીએ. ગાંધીનગરમાં અમે અમારો પડાવ કરવા જઈ રહ્યા છીએ. રાજકોટમાં 50,000 જેટલા ગણતરીદારોએ વસ્તીગણતરીની કામગીરી કરી છે. એ કામગીરી પણ આશા વર્કરને સોંપવામાં આવી હતી. અત્યારે ટેકનિકલ ખામીના લીધે અમારું ઇન્સેન્ટિવ કપાય છે. એ ટેકનિકલ ખામી સરકાર દૂર નથી કરતી. જ્યારે એક મહિનો કામગીરી વસ્તીગણતરીની કરાવી હતી ત્યારે તમારી એપ્લિકેશન ચાલુ થઈ ગઈ, હવે અમારો વારો કાયમી કામગીરી કરવાનો આવ્યો તો અમારે સરકાર પાસેથી શું કામ અપેક્ષા નહીં રાખવાની? 5-5 વર્ષથી અમને ડ્રેસ આપવામાં નથી આવ્યા. તો આ કઈ રીતનું અમારું શોષણ કરે છે?
Read full article on Divya Bhaskar