top
મોરબીમાં ક્રેટા કારમાંથી 700 લીટર દેશી દારૂ ઝડપાયો:રૂ. 5.55 લાખનો મુદ્દામાલ જપ્ત, ત્રણ આરોપીના નામ ખુલ્યા
મોરબી તાલુકા પોલીસે લાલપર ગામ નજીક વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે પરથી ક્રેટા કારમાંથી દેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરીને કુલ રૂ. 5.55 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પ્રોહિબિશન અને જુગાર અંગે પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, ગ્રે કલરની હુન્ડાઇ ક્રેટા કાર નંબર GJ-10-CG-4630માં વાંકાનેર તરફથી લાલપર થઈ મોરબી તરફ ગેરકાયદેસર રીતે પાસ-પરમીટ વગર દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે રેઇડ કરી હતી. કારમાંથી 700 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો, જેની કિંમત રૂ. 1.40 લાખ આંકવામાં આવી છે. દારૂ સહિત અન્ય મુદ્દામાલ મળીને પોલીસે કુલ રૂ. 5.55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે સલીમભાઈ ઉર્ફે સલો બાબુભાઈ વિકીયાણી (રહે. સરાયા, તા. ટંકારા)ને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછમાં મોરબીના ઇરફાનભાઈ, સદામભાઈ જામ અને સલીમ ઉર્ફે રાહુલભાઈ પઠાણના નામ આ દારૂ મંગાવનાર તરીકે ખુલ્યા હતા. મોરબી તાલુકા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar