education
પારડીમાં સંસ્કૃત સાહિત્ય દિવસની ઉજવણી:72 પુસ્તકોનું પ્રદર્શન યોજાયું, વિદ્યાર્થીઓએ જાણકારી મેળવી
વલસાડ: ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર તથા વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના માર્ગદર્શન હેઠળ અને પ્રાંત અધિકારી તથા મામલતદાર, પારડીના સહયોગથી તાલુકા કક્ષાના સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત ત્રીજા દિવસે 'સંસ્કૃત સાહિત્ય દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ સરકારી વિજ્ઞાન કોલેજ, પારડી ખાતે યોજાયો હતો.કાર્યક્રમનું ઉદ્ઘાટન પારડી તાલુકા પંચાયત પ્રમુખ કિન્નરીબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. સંસ્કૃત સાહિત્ય દિવસના મુખ્ય આકર્ષણરૂપે 72 સંસ્કૃત પુસ્તકોનું પ્રદર્શન યોજાયું હતું. જેમાં શ્રીમદ્ ભાગવદ્ ગીતા, શિવ મહાપુરાણ અને રામાયણ જેવા મહાકાવ્યો તેમજ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ જેવા વેદો તથા મત્સ્ય પુરાણ, માર્કંડેય પુરાણ, નારદ પુરાણ, ગણેશ પુરાણ, સ્કંદ પુરાણ, ગરુડ પુરાણ સહિત 42 સંસ્કૃત સાહિત્ય અને ભારતીય જ્ઞાનપરંપરાના વિવિધ ગ્રંથો રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, સંસ્કૃતના 20 જેટલા અન્ય પાઠ્યપુસ્તકો અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા આપવામાં આવેલી 10 માર્ગદર્શિકા સહિત કુલ 72 પુસ્તકો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. પુસ્તક પ્રદર્શન સાથે વિવિધ શાળાઓ દ્વારા રજૂ કરાયેલા 100 જેટલા ચિત્રો, પેઇન્ટિંગ, સંસ્કૃત સૂત્રોના બેનરો તથા માર્ગદર્શક ચાર્ટ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. વિવિધ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, સંસ્કૃત શિક્ષકો અને અધ્યાપકોએ પ્રદર્શનની મુલાકાત લઈ સંસ્કૃત ભાષા અને સાહિત્ય વિશે જાણકારી મેળવી હતી. આ પ્રસંગે તાલુકા કક્ષાની નિમાયેલી સમિતિના સભ્ય સરકારી વિજ્ઞાન કોલેજના આચાર્ય હેતલબેન ટંડેલ, જે.પી. પારડીવાલા આર્ટ્સ-કોમર્સ કોલેજના આચાર્ય ફાલ્ગુની જી. દેસાઈ, સંસ્કૃત નોડલ અધિકારી એન.કે. દેસાઈ, કોલેજના આચાર્ય તપનસિંહ પરમાર, સંસ્કૃત નોડલ તૃપ્તિ જે. મહેર, બી.આર.જે.પી. ઇંગ્લિશ સ્કૂલના આચાર્યા ચંચલાબેન ભટ્ટ, ડી.સી.ઓ. સ્કૂલ, પારડીના આચાર્ય સુનિલભાઈ પટેલ સહિત તાલુકાના સંસ્કૃત શિક્ષકો, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્કૃત સપ્તાહ મહોત્સવ દરમિયાન યોજાયેલી રંગોળી સ્પર્ધા, વેશભૂષા, ચિત્ર, એકપાત્રીય અભિનય, શ્લોક પઠન અને ટેબ્લો જેવી વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહનરૂપે શ્રીમદ્ ભગવદ્ ગીતાના પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયત ઉપપ્રમુખ હિરેનભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ હેમલતાબેન ટંડેલ, જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. રાજેશ્રી એલ. ટંડેલ દ્વારા નિયુક્ત સભ્ય સચિવ તથા શિક્ષણ સેવા વર્ગ-2 અધિકારી કુ. જાગૃતિબેન એમ. પટેલ, સી.આર.સી. કો-ઓર્ડિનેટર ચેતનભાઈ પટેલ, બી.આર.પી. શીતલબેન પટેલ, બી.આર.પી. પન્નાબેન પટેલ સહિત શિક્ષણ જગતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
Read full article on Divya Bhaskar