top
સુરતની વનિતા વિશ્રામ યુનિવર્સિટીમાં બબાલ:'75% હાજરી ફરજિયાત પણ 25% સિલેબસ પૂરો નહીં'ની રીલ બનાવનાર 3 વિદ્યાર્થિનીઓને કાઢી મુકાતા ABVPનો હોબાળો
સુરતના અઠવાગેટ વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત વનિતા વિશ્રામ યુનિવર્સિટીમાં આજે ભારે હંગામો જોવા મળ્યો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ના કાર્યકરોએ કોલેજ કેમ્પસમાં ભારે સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ABVP ના સભ્યો સીધા જ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર (VC) ડો. દક્ષેશ ઠાકરની ચેમ્બરમાં ઘૂસી ગયા હતા અને તેમની સામે ગંભીર આક્ષેપો કરી ઘેરાવ કર્યો હતો. વિદ્યાર્થિનીઓના ભવિષ્ય સાથે ચેડાં થતા હોવાનો આરોપ લગાવી કાર્યકરોએ વીસીની ચેમ્બરમાં ભારે બબાલ મચાવી હતી. રીલ બનાવવી વિદ્યાર્થિનીઓને ભારે પડી આ સમગ્ર વિવાદનું મૂળ સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલી એક રીલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, યુનિવર્સિટીની 3 વિદ્યાર્થિનીઓએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક રીલ શેર કરી હતી. આ વિડીયોમાં તેમણે કોલેજની વાસ્તવિકતા છતી કરતા જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના નિયમ મુજબ 75% હાજરી ફરજિયાત માંગવામાં આવે છે, પરંતુ તેની સામે કોલેજમાં ભણાવવામાં આવતો સિલેબસ 25% પણ પૂરો કરવામાં આવતો નથી. આ રીલ વાઇરલ થતાં જ યુનિવર્સિટી મેનેજમેન્ટ રોષે ભરાયું હતું. વાલીઓ કરગર્યા છતાં 5 દિવસ ક્લાસની બહાર રખાયા ABVP ના આક્ષેપ મુજબ, રીલ વાઇરલ થયા બાદ યુનિવર્સિટી પ્રશાસન દ્વારા આ 3 વિદ્યાર્થિનીઓને ટાર્ગેટ કરી માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. તેમને ધમકાવવામાં આવી હતી અને કોલેજમાંથી કાઢી મૂકવાની ચીમકી અપાઈ હતી. એટલું જ નહીં, છેલ્લા 5 દિવસથી તેમને ભણવા માટે કે ક્લાસમાં જવા માટેની પરવાનગી પણ આપવામાં આવી ન હતી. જ્યારે આ વિદ્યાર્થિનીઓના માતા-પિતા વીસીને મળવા ગયા અને હાથ-પગ જોડીને કરગર્યા, ત્યારે પણ વીસીએ તેમને કાઢી મૂકવાની જ વાત કરી હોવાનો ગંભીર આરોપ ABVP દ્વારા લગાવવામાં આવ્યો છે. ઉમરા પોલીસનો કાફલો દોડી આવ્યો, આખરે સમાધાન વીસીની ચેમ્બરમાં ABVP નો આક્રોશ એટલી હદે વધી ગયો હતો કે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે યુનિવર્સિટી પ્રશાસને ઉમરા પોલીસની મદદ લેવી પડી હતી. પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. ભારે વિરોધ અને પોલીસની મધ્યસ્થી બાદ આખરે યુનિવર્સિટી મેનેજમેન્ટને ઝૂકવું પડ્યું હતું. ABVP દ્વારા જણાવાયું છે કે, યુનિવર્સિટી પ્રશાસને હવેથી આ વિદ્યાર્થિનીઓને કોઈપણ પ્રકારનો ત્રાસ આપવામાં નહીં આવે અને તેમને રાબેતા મુજબ ક્લાસમાં બેસવા દેવાશે તેવી ખાતરી આપી છે.
Read full article on Divya Bhaskar