crime
રાજકોટમાં 8 માસમાં ટ્રાફિક નિયમભંગના 1.10 લાખ કેસ:RTO માન્ય નંબર પ્લેટ વિનાના, વાહનમાં બ્લેક ફિલ્મ, LED લગાવનારાને રૂ.4.28 કરોડનો દંડ ફટકારાયો
રાજકોટ શહેર માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં આર.ટી.ઓ. માન્ય નંબર પ્લેટ વગરના વાહન ચાલકો, બ્લેક ફિલ્મ તેમજ સફેદ એલ.ઈ.ડી. લાઈટ લગાડનારા વાહન ચાલકો વિરુદ્ધ છેલ્લા 8 માસમાં ટ્રાફિક નિયમભંગના 1.10 લાખ કેસ કરાયા હોવાનું જાહેર કરાયું હતું અને તેના થકી ટ્રાફિક પોલીસ દ્વારા રૂ.4.28 કરોડના દંડની વસુલાત કરવામાં આવી છે. રાજકોટના ટ્રાફિક DCP હરપાલસિંહ જાડેજાએ નંબર પ્લેટ ચોખ્ખી વાંચી શકાય તે રીતે લગાડેલી હોવાનું જણાવ્યું હતું. વધુમાં કાર કંપની દ્વારા આવતા કાચમાં કોઈપણ પ્રકારની ફિલ્મ ન લગાડવા કાર ચાલકોને વિનંતી કરી હતી. તેમના દ્વારા કાર એસોસિએશન સાથે કરવામાં આવેલી મિટિંગમાં કાચ પર ફિલ્મનું તથા સફેદ એલ.ઈ.ડી. લાઈટનું વેચાણ નહીં કરવા સૂચના આપી હોવાનું જણાવ્યું હતું. તેમણે રાજકોટ સંલગ્ન હાઇવે પર ગેરકાયદે મીડીયન ગેપ બંધ કરવા તેમજ તોડી નાખતા શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા પણ સૂચના આપવામાં આવી હતી. RTO એ 47 વાહન ચાલકોના લાઈસન્સ સસ્પેન્ડ કર્યા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, માર્ગ સલામતી અર્થે રાજકોટ શહેર પોલીસ દ્વારા વર્ષ 2026માં અત્યાર સુધીમાં 1,10,601 જેટલા વિવિધ કેસ કરી રૂ.4,28,87,200નો દંડ કરવામાં આવ્યો હોવાનું તેમજ 68,033 જેટલા ઈ-ચલણ ઈશ્યુ કરવામાં આવ્યાં હોવાનું જણાવવામાં આવ્યું હતું. બેઠકમાં આર.ટી.ઓ. અધિકારી આઈ. સી. ટાંકે જણાવ્યું હતું કે, આર.ટી.ઓ. વિભાગ દ્વારા 50 થી વધુ ઈ-ચલણ બાકી હોય તેવા 225 વાહનચાલકોને નોટિસ પાઠવવામાં આવી છે તેમજ 47 વાહન ચાલકોના લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. આ બેઠકમાં રાજકોટ શહેરમાં તેમજ માધાપર ચોકડી ખાતે લેફ્ટ ટર્ન સ્મૂધ બનાવવા ખાસ ભાર મુકવામાં આવ્યો હતો.
Read full article on Divya Bhaskar