politics
વઢવાણના બે અસામાજિક તત્વો હદપાર:સુરેન્દ્રનગર સહિત 8 જિલ્લાઓમાંથી 2 વર્ષ માટે હદપાર કરાયા
વઢવાણના બે અસામાજિક તત્વોને બે વર્ષ માટે હદપાર કરવામાં આવ્યા છે. સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ એમ.જે. ભરવાડે સુરેન્દ્રનગર સહિત આસપાસના આઠ જિલ્લાઓમાંથી તેમને હદપાર કરવાનો આદેશ કર્યો છે. આ કાર્યવાહી વઢવાણ વિસ્તારમાં જાહેર શાંતિ અને સલામતી જાળવવા તેમજ અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવાના હેતુથી કરવામાં આવી છે. ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૫૭(ગ) હેઠળ અનિલભાઈ દિલીપભાઈ આજોલા (રહે. નવા દરવાજા બહાર, પહેલા કોળીપરા, વઢવાણ) અને ક્રિપાલસિંહ રણજીતસિંહ ઉર્ફે માવસિંહ ઝાલા (ઉં. ૩૧, રહે. દાળમિલ રોડ, ધીરુભાઈની વાડી પાસે, સોમનાથ પાર્ક, વઢવાણ) સામે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસ અહેવાલ, રજૂ કરાયેલા પુરાવાઓ અને બંને ઈસમોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કારણે જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચવાની શક્યતાઓને ધ્યાનમાં લેવાઈ હતી. બંને ઈસમોને પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરતી તક આપ્યા બાદ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. હુકમ મુજબ, બંને ઈસમોને સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત રાજકોટ શહેર તથા જિલ્લો, ભાવનગર, મોરબી, મહેસાણા, પાટણ, બોટાદ તેમજ અમદાવાદ શહેર તથા જિલ્લાના વિસ્તારોમાંથી બે વર્ષ માટે હદપાર કરવામાં આવ્યા છે. હદપારના સમયગાળા દરમિયાન બંને ઈસમોએ હુકમમાં દર્શાવેલી તમામ શરતોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. તંત્ર દ્વારા જણાવાયું છે કે જાહેર શાંતિ, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અસામાજિક તત્વો સામે કાયદાની જોગવાઈઓ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. નાગરિકોને પણ કોઈ શંકાસ્પદ વ્યક્તિ અથવા અસામાજિક પ્રવૃત્તિ અંગે માહિતી મળે તો નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.
Read full article on Divya Bhaskar