top
નરેડીમાં ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી જુગારધામ ઝડપ્યું:જૂનાગઢના નરેડી ગામની વાડીમાં ચાલતા જુગારધામ પર ક્રાઇમ બ્રાન્ચનો દરોડો, 8 જુગારીઓ રૂ. 2.48 લાખના મુદ્દામાલ સાથે પકડાયા
શ્રાવણ મહિનાની શરૂઆત થતાં જ પત્તા પ્રેમીઓની જાણે કે મોસમ આવી હોય તેમ છેલ્લા ઘણા સમયથી જૂનાગઢ પોલીસ દ્વારા વાડી વિસ્તાર અને સીમ વિસ્તારમાંથી જુગારના અનેક કેસો પકડી પાડવામાં આવ્યા છે. આ ઝુંબેશ અંતર્ગત જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે નરેડી ગામમાંથી જુગાર રમતા 8 જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને મળેલી ચોક્કસ ખાનગી બાતમીના આધારે વંથલી તાલુકાના નરેડી ગામથી બોડકા ગામ તરફ જતા રસ્તે પશ્ચિમ બાજુએ આવેલ 'ધાર' નામના વાડી વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ વાડી હસમૂખભાઈ પરબતભાઈ સાબલપરાની કબજા-ભોગવટાની છે. તેઓ પોતાની વાડીમાં આવેલા પતરાવાળા મકાનમાં બહારથી માણસોને બોલાવી, જુગારના સાધનો પૂરા પાડીને તીન-પત્તી રોન-પોલીસ નામનો હાર-જીતનો જુગાર રમાડતા હતા અને અંગત આર્થિક ફાયદા માટે નાલ ઉઘરાવીને જુગારનો અખાડો ચલાવતા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બાતમીની ખરાઈ કરીને ઘટનાસ્થળે અચાનક દરોડો પાડતાં જુગાર રમતા કુલ 8 ઇસમો રંગેહાથ પકડાઈ ગયા હતા. આ પકડાયેલા આરોપીઓમાં નરેડી ગામના હસમૂખભાઈ પરબતભાઈ સાબલપરા, પંકજભાઈ કેશુભાઈ ડોબરીયા, હિતેશભાઈ વિઠ્ઠલભાઈ બરવાડીયા અને કિરીટભાઈ જીવાભાઈ વદરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રવની ગામના પ્રફુલભાઈ મોહનભાઈ ભાલારા, વીરપુર ગામના યાકુબભાઈ તારમહંમદભાઈ સીડા તથા રફીકભાઈ મહંમદભાઈ સીડા અને આંબાલીયા ગામના ઈશાભાઈ અલારખાં સાંઈ પણ જુગાર રમતા ઝડપાયા હતા. આ તમામ સામે વંથલી પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમ 4 અને 5 મુજબ ગુન્હો રજીસ્ટર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રેઇડ દરમિયાન પોલીસે સ્થળ પરથી મોટા પ્રમાણમાં મુદ્દામાલ કબ્જે કર્યો છે. જેમાં જુગારીઓ પાસેથી મળેલા રોકડા રૂપિયા 97,400 અને નાલની રકમ રૂપિયા 5,500 મળીને કુલ રોકડ રકમ કબ્જે કરાઈ છે. આ ઉપરાંત રૂ. 26,000ની કિંમતના 6 નંગ મોબાઇલ ફોન, રૂ. 1,20,000ની કિંમતની 4 મોટર સાયકલ તથા જુગારનું સાહિત્ય અને ગંજીપતાના પાના મળીને કુલ રૂપિયા 2,48,900નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
Read full article on Divya Bhaskar