crime
વિદેશમાં નોકરીના સપના બતાવી 84.19 લાખની ઠગાઈ:યુકે-કેનેડાના વર્ક પરમિટના નામે દંપતી સહિત 3 લોકો સાથે છેતરપિંડી, વડોદરાની વિઝા કન્સલ્ટન્સી અને ખંભાતના એજન્ટ સામે ફરિયાદ, જાનથી મારી નાખવાની ધમકી
વિદેશમાં સારી નોકરી મેળવીને સ્થાયી થવાના સપના જોતા લોકો સાથે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. યુકે અને કેનેડામાં વર્ક પરમિટ અપાવી નોકરી અપાવવાની લાલચ આપી દંપતી સહિત 6 લોકો પાસેથી ભેજાબાજોએ 84.19 લાખ રૂપિયા પડાવી લીધા છે. વડોદરાની વિઝા કન્સલ્ટન્સીના સંચાલક સંજય કૃષ્ણા રાવ, ખંભાતના ગ્લોબટ્રોટર ઓવરસીઝના સંચાલક પાર્થ પટેલ સહિતના લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. વિદેશ મોકલવાના નામે લાખો રૂપિયા લીધા હોવા છતાં વચન મુજબની પ્રક્રિયા પૂર્ણ ન થતાં અરજદારોએ નાણાં પરત માગ્યાં હતાં. આ સમયે ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આ મામલે ગોરવા પોલીસે તપાસ હાથ ધરી છે. ખંભાતના મોચીવાડ વિસ્તારમાં રહેતી પિનલબેન પ્રજાપતિએ ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ યુકેમાં વર્ક પરમિટ મેળવી નોકરી કરવા માગતાં હોવાથી સારી વિઝા કન્સલ્ટન્સીની શોધમાં હતાં. આ દરમિયાન વડોદરાના ગેંડા સર્કલ પાસે સારાભાઈ કેમ્પસમાં આવેલી એરીકા ડિજિટલ પ્રા.લિ.ના સંચાલક સંજય કૃષ્ણા રાવનો સંપર્ક થયો હતો. ઓક્ટોબર-2023માં થયેલી વાતચીત દરમિયાન 6 મહિનામાં યુકેની વર્ક પરમિટની પ્રક્રિયા પૂર્ણ કરી આપવાની ખાતરી આપી રૂ. 27 લાખનો ખર્ચ જણાવ્યો હતો. મહિલાએ ઓક્ટોબર અને નવેમ્બર-2023 દરમિયાન રજિસ્ટ્રેશન સહિતના ખર્ચ પેટે ટુકડે-ટુકડે 5 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. ત્યારબાદ ડિસેમ્બર-2023માં જોબ લેટર અપાવવાના નામે વધુ રૂ. 11 લાખના ચેક આપવામાં આવ્યા હતા. જોકે, જોબ લેટરમાં ખામીઓ જણાતાં મહિલાએ રજૂઆત કરી હતી. ત્યારબાદ સંજય રાવે ખંભાતના પાર્થ પટેલ મારફતે આગળની પ્રક્રિયા કરાવવાની વાત કરી હતી. જાન્યુઆરી-2025માં નોટરી કરાર કરવામાં આવ્યો હતો. પિનલબેન, તેમના પતિ અને પુત્રીના પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ (PCC) તથા મેડિકલની પ્રક્રિયા કરાવવા છતાં વર્ક વિઝા મળ્યા ન હતા. 21 લાખ રૂપિયામાંથી 3 લાખ રૂપિયા પરત અપાયા બાદ બાકીના રૂ. 18 લાખ પરત આપ્યા ન હતા. આ કથિત કૌભાંડમાં કેનેડામાં નોકરી અપાવવાના નામે અન્ય અરજદારોને પણ નિશાન બનાવાયા હોવાનો આક્ષેપ છે. અમી રાજ મહેતા અને રાજ અશોક મહેતા પાસેથી 21.70 લાખ રૂપિયા જેટલી રકમ મેળવ્યા બાદ વર્ક પરમિટ લેટરમાં દર્શાવ્યા મુજબની નોકરી અપાઈ ન હોવાની રજૂઆત કરવામાં આવી છે. જ્યારે મકરપુરા રોડની દિવ્યજ્યોત સોસાયટીમાં રહેતા ગિરીશભાઈ ચુકલાના પુત્ર પાર્થને કેનેડામાં નોકરી અપાવવાની ખાતરી આપી રૂ. 39.89 લાખ લેવામાં આવ્યા હોવા છતાં વચન પૂરું કરવામાં આવ્યું ન હતું. આમ, વિદેશમાં વર્ક પરમિટ અને નોકરી અપાવવાના નામે ત્રણ અરજદારો પાસેથી 84.19 લાખ રૂપિયા મેળવવામાં આવ્યા હતા. નાણાં પરત માગતાં ધમકી આપવામાં આવી હોવાના આક્ષેપને પગલે મામલો વધુ ગંભીર બન્યો છે. આ ફરિયાદના આધારે ગોરવા પોલીસે સંજય કૃષ્ણા રાવ, પાર્થ પટેલ અને તેમની સાથે સંકળાયેલા અન્ય લોકોની ભૂમિકા અંગે તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar