top
હિંમતનગરમાં જુગારધામ પર પોલીસનો દરોડો રમતા આઠ ઝડપાયા:માળીના છાપરીયા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા આઠ ઝડપાયા, 85 હજારનો મુદ્દામાલ જપ્ત
હિંમતનગર બી ડીવીઝન પોલીસે માળીના છાપરીયા વિસ્તારમાંથી જુગાર રમતા આઠ લોકોને ઝડપી પાડ્યા છે. પોલીસે રોકડ રકમ સહિત કુલ 85,410 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસને બાતમી મળી હતી કે, માળીના છાપરીયા રોશનીનગર ખાતે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશનના PI ડી.એન. વસાવાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોર્ડના PSI એ.પી. માળી અને તેમની ટીમે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે ગંજીપાના, રોકડ 15,410 રૂપિયા, ચાર મોબાઈલ ફોન (કિંમત 20,000 રૂપિયા) અને એક સુઝુકી બર્ગમેન ટુ-વ્હીલર (કિંમત 50,000 રૂપિયા) સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે જુગારધારા હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલા આઠ આરોપીઓમાં રાજુ લાલા ડામોર (રહે. ભવાની રેસીડેન્સી, મહેતાપુરા), મોહમદઅસલમ મોહમદ પઠાણ (રહે. હસનનગર આવાસ યોજના), ફારૂક મોહમદ શેખ (રહે. હસનનગર આવાસ યોજના), ઇકબાલ બાબુ શેખ (રહે. માળીના છાપરીયા), નારણ ભુરાજી હીરાગર (રહે. માળીના છાપરીયા), સફી મહમદ મકરાણી (રહે. હસનનગર આવાસ યોજના), વજીરખાન ફકીરમોહમદ પઠાણ (રહે. માળીના છાપરીયા રોશનીનગર) અને મોહમદફારૂક બાબુ શેખ (રહે. માળીના છાપરીયા) નો સમાવેશ થાય છે. અન્ય ક્રાઈમ ન્યુઝ ડોક્ટરને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરનાર બે ઝડપાયા હિંમતનગર પોલીસે સુરેન્દ્રનગરમાં એક ડોક્ટર સાથે છેતરપિંડી કરનાર બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ બંનેએ ડોક્ટરને વિશ્વાસમાં લઈ રૂ. 13,000 પડાવી લીધા હતા. હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગ નાઈટ રાઉન્ડ દરમિયાન હોટલ ચેકિંગ ચાલી રહ્યું હતું. તે સમયે બે પરપ્રાંતિય વ્યક્તિઓ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું કે આ બંનેએ સુરેન્દ્રનગરના ઉપાસના સર્કલ પાસે આવેલી અનંતા હોસ્પિટલમાં એક મહિલા ડોક્ટરનો હાથ જોઈ ભવિષ્ય કથનની વાતોમાં ભોળવી દીધા હતા. ડોક્ટરને કોઈ ભાન ન રહેતા, તેમના પર્સમાંથી રૂ. 500ના દરની કુલ 26 નોટો મળી રૂ. 13,000 કઢાવી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓની ઓળખ નિર્મલસિંગ મુખત્યારસિંગ સિંગ (રાજપૂત), રહે. ગુરુનાનકનગર, ગલી નંબર-6, વેસ્ટ દિલ્હી અને ગુરમેલસિંગ સેવાસિંગ (રાજપૂત), ઉંમર 51, રહે. જુના સાહીબપુરા, તિલકનગર, વેસ્ટ દિલ્હી તરીકે થઈ છે. પોલીસે બંને આરોપીઓ પાસેથી છેતરપિંડી કરીને મેળવેલા રૂ. 13,000 રોકડા કબજે કર્યા છે. તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ માટે સુરેન્દ્રનગર ડિવિઝન પોલીસ સ્ટેશનને મોકલી આપવામાં આવ્યા છે. સાબરકાંઠા LCBએ પ્રોહીબીશનના ગુનામાં 14 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપ્યો સાબરકાંઠા LCB ના પેરોલ ફર્લો સ્કોર્ડે ઉદેપુર સિટીમાં પ્રોહિબીશનના ગુનામાં 14 વર્ષથી નાસતા ફરતા આરોપીને તેના ઘર નજીકથી ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે સાબરકાંઠા LCB PI ડી.સી.સાકરિયાએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, પેરોલ ફર્લો સ્કોર્ડના PSI વી.આર.ચૌહાણ સાથે ટીમના માણસો રાજસ્થાનના ઉદેપુર સીટી વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા. દરમિયાન બાતમી મળી કે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનાના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા 14 વર્ષથી નાસતા ફરતા આરોપી ઉમિતસિંગ ઉર્ફે બોબીસિંગ ચરણસિંગ બગ્ગાને ઝડપી લીધો હતો અને આગળની કાર્યવાહી માટે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવ્યો હતો.
Read full article on Divya Bhaskar