top
નોકરીમાંથી કાઢી મૂકતાં 9 એક્ટિવા-1 બાઈક સગેવગે કરી દીધાં:સરથાણામાં હોન્ડા શો-રૂમના પૂર્વ ગોડાઉન મેનેજરનો કારસો, રાજકોટ-ભાવનગરથી 10 વાહનો જપ્ત
સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા જાણીતા હોન્ડાના ‘અમીદીપ શો-રૂમ’માં વિશ્વાસઘાત અને વાહન ચોરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શો-રૂમના ગોડાઉન મેનેજરને ગેરવર્તણૂક બદલ નોકરીમાંથી છૂટો કરવામાં આવતાં તેણે અગાઉથી તબક્કાવાર રીતે બારોબાર સગેવગે કરી દીધેલાં નવા 9 એક્ટિવા અને 1 શાઈન બાઈક મળી 7.23 લાખના કુલ 10 નવા વાહનોનો ભાંડો ફૂટ્યો હતો. સરથાણા પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી આરોપીની ધરપકડ કરી સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી તમામ વાહનો રિકવર કરી લીધાં છે. ઝઘડો થતાં નોકરીમાંથી કાઢ્યો મોટા વરાછા ખાતે આવેલી યમુનાદર્શન સોસાયટીમાં રહેતા અને છેલ્લા દસ વર્ષથી સરથાણા સ્થિત અમીદીપ હોન્ડા શો-રૂમમાં મેનેજમેન્ટ સંભાળતા 42 વર્ષીય મયુર ગોરધનભાઈ ખુંટે નોંધાવેલી ફરિયાદ મુજબ, શો-રૂમનું ગોડાઉન બાપા સીતારામ ચોક પાસે આવેલા રોયલ પ્લાઝાના બેઝમેન્ટમાં આવેલું છે. અહીં ડિસેમ્બર-2025થી ગોડાઉન મેનેજર તરીકે દિપુલ ધીરૂભાઈ માણીયા નોકરી કરતો હતો. ગત 13 જૂન 2026ના રોજ દિપુલે ગોડાઉન પર સ્ટાફ સાથે ગાળાગાળી અને ઝઘડો કરતાં મેનેજમેન્ટે તેને તાત્કાલિક નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. સ્ટોક ચેક કરતાં ભાંડો ફૂટ્યો બીજા દિવસે (14 જૂન) મેનેજમેન્ટે ગોડાઉનમાં રહેલા વાહનોના સ્ટોકની ગણતરી હાથ ધરતાં 9 એક્ટિવા અને 1 શાઈન બાઈક મળી 7.23 લાખની લોન કુલ 10 નવી નક્કોર ગાડીઓ સ્ટોકમાંથી ગાયબ હોવાનું સામે આવ્યું હતું. આ અંગે દિપુલને ફોન કરી પૂછતાં તેણે ત્રણ દિવસમાં બધી ગાડીઓ હાજર કરી દઈશ તેવો ગોળગોળ જવાબ આપી ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો. વેચાણ કે પાસિંગ વગર જ 60 હજારમાં બારોબાર પધરાવી દીધાં શો-રૂમના રેકોર્ડની ઊંડાણપૂર્વક તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે આ દસેય વાહનો ડિસેમ્બર-2025થી અત્યાર સુધીમાં તબક્કાવાર ગોડાઉનમાં આવ્યા હતા, પરંતુ તેનું કોઈ સત્તાવાર વેચાણ કે RTO પાસિંગ થયું ન હતું. કોઈપણ પ્રકારના દસ્તાવેજો વગર આ વાહનો બારોબાર નીકળી ગયા હોવાથી કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં તેનો ઉપયોગ થવાની ભીતિ સેવાઈ રહી હતી. જેથી મેનેજમેન્ટે તાત્કાલિક સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટર ડી. કે. પટેલનો સંપર્ક સાધી સમગ્ર હકીકત જણાવી હતી. આરોપી દિપુલ માણીયા દબોચાયો મામલાની ગંભીરતા સમજી પીઆઈ ડી. કે. પટેલે તુરંત ટીમ રવાના કરી આરોપી દિપુલ માણીયાને ઝડપી પાડ્યો હતો. કડક પૂછપરછમાં દિપુલે કબૂલાત કરી હતી કે તેણે પોતાના અંગત આર્થિક ફાયદા માટે આ તમામ નવાં વાહનો પરિચિતોને માત્ર ₹50,000 થી ₹60,000ની કિંમતે બારોબાર વેચી માર્યાં હતાં. સૌરાષ્ટ્રનાં ગામડાં ખૂંદી વાહનો કબજે કર્યાં આરોપીએ કેટલાંક વાહનો સુરતમાં તો મોટાભાગનાં વાહનો સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં વેચ્યા હોવાનું કબૂલતાં સરથાણા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી રાજકોટ, અમરેલી અને ભાવનગર ખાતે દરોડા પાડ્યા હતા અને ગણતરીના દિવસોમાં બારોબાર વેચાયેલાં તમામ 10 વાહનો મૂળ સ્થિતિમાં જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar